મુંબઈગરા માટે ટૂંક સમયમાં વધુ એક મેટ્રો રૂટની શરૂઆત થવાની છે. મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ બાંધી રહ્યું છે તે એલિવેટેડ મેટ્રો 2બી રૂટના (પીળી લાઈન) મંડાલે ડેપોથી ડાયમંડ ગાર્ડન સુધીનું કામ પૂરું થયું છે. આ ધ્યાનમાં લેતા બુધવાર 16 એપ્રિલથી આ તબક્કામાં મેટ્રો ટ્રેનનું પરીક્ષણ શરૂ કરવામાં આવશે. પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને જોડવા માટે એમએમઆરડીએ તરફથી આ રૂટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
એમએમઆરડીએ તરફથી અંધેરી પશ્ચિમથી માનખુર્દ-મંડાલે દરમિયાન 23 કિલોમીટરના મેટ્રો રૂટનું કામ હાથમાં લેવામાં આવ્યું છે. પહેલા તબક્કામાં મંડાલે ડેપોથી ડાયમંડ ગાર્ડન ચેંબુર દરમિયાનના મેટ્રો રૂટનું કામ પૂરું થયું છે. તેથી એમએમઆરડીએ 16 એપ્રિલથી આ તબક્કાના પાંચ સ્ટેશન દરમિયાન મેટ્રો ટ્રેનનું પરીક્ષણ શરૂ કરશે. એના માટે જરૂરી તૈયારી પૂરી થઈ હોવાની માહિતી એમએમઆરડીએના એક વરિષ્ઠ અધિકારીએ આપી છે.

આ રૂટ પર મંડાલે ડેપો, માનખુર્દ, બીએસએનએલ મેટ્રો, શિવાજી ચોક અને ડાયમંડ ગાર્ડન એમ પાંચ મેટ્રો સ્ટેશન છે. મંડાલેથી ચેંબુર દરમિયાન ટ્રેનના ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે. એમાં વજન સહિત ટ્રેનનું પરીક્ષણ, સિગ્નિલિંગ સિસ્ટમ, તેમ જ ટ્રેક્શન ટેસ્ટનો સમાવેશ હશે. આ ટેસ્ટ પૂરા થયા પછી આરડીએસઓ તરફથી મેટ્રો ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવશે. એ પછી કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટીને તપાસ માટે બોલાવવામાં આવશે.
આ તપાસ પૂરી કરીને ડિસેમ્બરના અંતમાં આ મેટ્રો રૂટ શરૂ કરવાનો એમએમઆરડીએનો પ્રયત્ન છે. ડાયમંડ ગાર્ડનથી ડી.એન. નગરના બાકીના તબક્કા માટે મેટ્રો રૂટ પર કામ હજી ચાલી રહ્યા છે. આ કામ પૂરા કરીને આખો રૂટ ડિસેમ્બર 2026 સુધી પ્રવાસીઓની સેવામાં શરૂ કરવામાં આવશે એમ એક અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું.

મેટ્રો 2બી રૂટ માટે કારશેડ
મેટ્રો 2બી માટે મંડાલે કારશેડનું 97 ટકા કામ પૂરું થયું છે. હવે વિદ્યુતીકરણના કામ પૂરા કરવામાં આવી રહ્યા છે. ગત 8 એપ્રિલથી કારશેડમાં વીજ પ્રવાહ પણ શરૂ કરવામાં આવ્યો છે. મેટ્રો 2બી રૂટ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, પશ્ચિમ રેલવે, મધ્ય રેલવે, મોનોરેલ, મેટ્રો 2એ રૂટ (દહિસરથી ડી.એન. નગર), મેટ્રો 3 (કોલાબાથી સિપ્ઝ) અને મેટ્રો 4 (વડાલાથી કાસારવડવલી) જેવા મહત્વના માર્ગને જોડશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
