મુંબઈ નજીક અલીબાગ પાસેના લોણઘર ગામમાં રહેતા 45 વર્ષના કચ્છી વિશા ઓસવાળ સમાજના મનોજ મુરજી શાહ (નાગડા)નું ઘરેથી રવિવારે સાંજે નીકળ્યા પછી પોતાની ઈનોવા કારમાં જ એટેકને કારણે મોત થયું હતું. જોકે પરિવારજનોને આ મામલે છેક સોમવારે વહેલી સવારે 4 વાગ્યે જાણ થઈ હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. પોલીસે પ્રાથમિક તપાસમાં એટેકથી મોત હોવાનો અંદાજ લગાવ્યો છે. આમ છતાં મનોજના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટના અહેવાલની રાહ જોઈ રહ્યા છે.
કચ્છના નરેડી ગામના વતની અને અલીબાગ પાસેના લોણઘર ગામમાં સંયુકત પરિવાર સાથે રહેતા અને ફરસાણના વેપાર સાથે સંકળાયેલા મનોજ મુરજી શાહના નાનાભાઈ કીર્તિ શાહે જણાવ્યું હતું કે, રવિવારે સાંજે તેઓ ઈનોવા કાર લઈને પેણ તરફ કામ અર્થે ગયા હતા, પરંતુ સોમવારે વહેલી સવારે 4 કલાકે પોલીસનો અમારા પર ફોન આવ્યો હતો.

પોલીસે અમને ઘટના વિશે જણાવ્યું કે, ખોપોલી બાયપાસ રોડ પર સાઈડમાં પાર્ક કરેલી ઈનોવા કાર પડી હતી, એ દરમિયાન રાત્રિના પેટ્રોલિંગમાં એક પોલીસ વેનના ફરજ પરના પોલીસને આ કાર નજરે ચઢી હતી. એથી પોલીસે કાર પાસે જઈ તપાસ શરૂ કરી હતી. કારનો દરવાજો અંદરથી લોક હતો, એથી કારના દરવાજાને તોડીને અંદર તપાસ કરતાં મનોજ નિશ્ચેત અવસ્થામાં કારની ડ્રાઈવિંગ સીટ પર હતો. પોલીસે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. અમને જાણ થતાં જ અમે પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
તમામ ચીજવસ્તુ અકબંધ મળી આવી છે…
મારા ભાઇના શરીર પર પહેરેલા સોનાના દાગીના, તેનો મોબાઈલ, પર્સ સહિત તમામ ચીજવસ્તુ અકબંધ મળી આવી હતી, તેના શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી, આથી કોઈ શંકા નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં ડોકટરોના મતે મનોજને એટેક આવ્યો હશે એમ તારણ કાઢ્યું હતું, કારણ કે, કારમાં ઊલટી થયેલી હાલતમાં મળ્યો હતો, તેથી તેણે તેની કાર રોડની સાઈડમાં પાર્ક કરી, અમે જ્યારે કારનો કબજો લેવા ગયા ત્યારે કારનું ઈધણ ખાલી હાલતમાં હતું. એથી મનોજે કાર પાર્ક કરી ત્યારે કાર ચાલુ હાલતમાં અને એસી ચાલુ રહ્યું હશે. એથી ઈધણ ખાલી થયું હશે એમ પોલીસનું માનવું છે. મનોજ પરિણીત અને તેના પરિવારમાં એક દીકરો-દીકરી છે, એમ કીર્તિભાઈએ જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
