વક્ફ સંશોધન બિલ મોડી રાતે લોકસભામાં પાસ થઈ ગયું. સહયોગી પાર્ટીઓના સમર્થનથી ભાજપને આ મોટી સફળતા મળી છે. આજે આ બિલ રાજ્યસભામાં રજૂ કરાશે. બધાની નજર રાજ્યસભા પર રહેશે.
ભારે હંગામા અને ચર્ચા બાદ આખરે લોકસભામાં બુધવારે મોડી રાતે વક્ફ સંશોધન બિલ પાસ થઈ ગયું. બિલના સમર્થનમાં 288 મત અને વિરોધમાં 232 મત પડ્યા. ભાજપની સહયોગી પાર્ટીઓના સમર્થનથી આ આંકડો બહુમતના આંકડાથી આગળ જતો રહ્યો. આ દરમિયાન સરકારે વિપક્ષના આરોપોનો પણ જોરદાર જવાબ આપ્યો. જેમાં કહેવાયું હતું કે આ બિલ બંધારણ અને મુસ્લિમ અધિકારોનો ભંગ કરે છે અને સંઘીય માળખા પર હુમલો કરે છે.
મુખ્ય સહયોગી પાર્ટીઓનો મળ્યો સાથ
ભાજપને પોતાની મુખ્ય સહયોગી પાર્ટીઓ ટીડીપી, જેડીયુ, શિવસેના અને લોક જનશક્તિ પાર્ટી (LJP) નો સાથ મળ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધને આ બિલના વિરોધમાં એકજૂથતા દર્શાવી. જો કે ભાજપને પહેલેથી જ વિશ્વાસ હતો કે આ બિલને પાસ કરાવવામાં સફળતા મળશે. આ વિશ્વાસ સાથે ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે, તમે આ ફેરફાર ફક્ત પોતાની વોટબેંકને બચાવવા માટે કર્યો હતો અને અમે તેને ખતમ કરવાનો નિર્ણય લીધો છે.

આજે રાજ્યસભા પર બધાની નજર
હવે આ બિલ ગુરુવારે એટલે કે આજે રાજ્યસભામાં રજૂ કરાશે. અહીં પણ તે પાસ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. લોકસભામાં આ મુદ્દે ચર્ચામાં ધર્મનિરપેક્ષ વિરુદ્ધ સાંપ્રદાયિક ચર્ચા જોવા મળી. પરંત બિલ પાસ થવું એ મહત્વપૂર્ણ વળાંક સાબિત થયો. આ અગાઉ નાગરિકતા સંશોધન કાયદો (CAA), ત્રિપલ તલાક પર રોક અને ઉત્તરાખંડમાં UCC લાગૂ કરવા જેવા કાયદાઓ બાદ આ ચોથું મોટું પગલું હતું. જેને ભાજપ સરકારે મુસ્લિમ સંગઠનો અને વિપક્ષી પાર્ટીઓના વિરોધ છતાં આગળ ધપાવ્યું.
બિલ પાસ થવું ભાજપ માટે મોટી જીત કેમ
ભાજપ માટે આ જીત એટલા માટે પણ ખાસ રહી કારણ કે ભાજપને લોકસભામાં પોતાના દમ પર બહુમત નહતો. આમ છતાં તેના ધર્મનિરપેક્ષ સહયોગી દળોએ આ બિલનું સમર્થન કર્યું. જેનાથી એ સંકેત મળે છે કે આ પાર્ટીઓને ભરોસો છે કે મુસલમાનોનું સમર્થન ગુમાવવાથી તેમને કોઈ મોટું નુકસાન નહીં થાય ઉલ્ટું ભાજપ સાથે ગઠબંધનથી તેમને ફાયદો વધુ થશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
