મુખ્યમંત્રી મારી લાડકી બહેન સહિત અન્ય યોજનાઓના કારણે રાજ્યની તિજોરી ખાલીખમ છે ત્યારે રાજ્ય સરકારે રેડીરેકનર દરમાં મસમોટો વધારો કર્યો છે. મુંબઈમાં 3.39 ટકા, થાણેમાં 7.72 ટકા અને રાજ્યમાં સરેરાશ 4.39 ટકા દરવધારો કરવામાં આવ્યો છે. સોલાપુર મહાપાલિકા ક્ષેત્રમાં સૌથી વધારે 10.17 ટકા વધારો થયો છે.
રાજ્યમાં રેડીરેકનરના નવા દર 1 એપ્રિલથી લાગુ કરવામાં આવ્યા છે. આ દરવધારાના કારણે પહેલેથી ઘર મોંઘા છે ત્યારે ગ્રાહકોને હજી મોંઘા પડશે. રાજ્યના રજિસ્ટ્રેશન મહાનિરીક્ષક અને સ્ટેમ્પ ડ્યુટી નિયંત્રક વિભાગે 2025-26ના સમયગાળા માટે રેડીરેકનર દરમાં વધારો જાહેર કર્યો છે. એ અનુસાર મીરા-ભાઈંદરમાં 6.26 ટકા, કલ્યાણ-ડોંબીવલીમાં 5.84 ટકા, નવી મુંબઈમાં 6.75 ટકા વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ દરવધારાના કારણે મુંબઈ સહિત સંપૂર્ણ રાજ્યમાં ઘરની કિંમતમાં વધારો થતા ઘર ખરીદનારા ગ્રાહકો પર વધુ આર્થિક બોજો પડશે.

મુંબઈ સહિતના મહાનગરોમાં પહેલાંથી જ ઘરની કિંમત આકાશને આંબી રહી છે અને હવે રેડીરેકનર દરમાં વધારાના કારણે એમાં વધુ ઉમેરો થશે.નવા દર અનુસાર નાશિકમાં 7.31 ટકા, સોલાપુરમાં 10.17 ટકા, ઉલ્હાસનગરમાં 9 ટકા, વસઈ-વિરારમાં 4.50 ટકા, પનવેલમાં 4.97 ટકા, પુણેમાં 4.16 ટકા દરવધારો જાહેર કરવામાં આવ્યો છે.
રજિસ્ટ્રેશન મહાનિરીક્ષક અને સ્ટેમ્પ ડ્યુટી નિયંત્રક વિભાગે 2017-18માં વાર્ષિક રેડીરેકનર દર તૈયાર કર્યા હતા. એ પછી બાંધકામ ક્ષેત્રમાં મંદીનો વિચાર કરીને 2018-19 અને 2019-20માં દર યથાવત રાખ્યા હતા. એ પછી કોરોનાના કારણે રાજ્ય સરકારે 2020-21માં દરમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. 2020-21માં રેડીરેકનર દર જૈસે થે રાખવામાં આવ્યા. 2022-23માં દરમાં વધારો કરવામાં આવ્યો હતો. રાજ્યના મહેસૂલમાં બાંધકામ ક્ષેત્રમાંથી મળતી આવકનો સિંહફાળો છે.
દરવધારો આ પ્રમાણે છે
મહાપાલિકા ક્ષેત્રમાં (મુંબઈ બાકાત રાખીને) 5.95 ટકા, રાજ્યમાં સરેરાશ વધારો (મુંબઈને બાકાત રાખીને) 4.39 ટકા, મુંબઈ મહાપાલિકા ક્ષેત્રમાં સરેરાશ વધારો 3.39 ટકા, સંપૂર્ણ રાજ્યમાં કુલ વધારો 3.89 ટકા, ગ્રામીણ ક્ષેત્રમાં 3.36 ટકા, પ્રભાવ ક્ષેત્રમાં 3.29 ટકા અને નગરપરિષદ-પંચાયત ક્ષેત્રમાં 4.97 ટકા વધારો કરવામાં આવ્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
