મુંબઇ ઉપનગરીય જિલ્લાનાં વિકાસકામો માટે 2023-24ના વર્ષ માટે કુલ 976.71 કરોડ રૂપિયાના બજેટની જોગવાઇ કરવામાં આવી હોવાની જાહેરાત કરાઈ છે, જે અંતર્ગત દરેક વોર્ડના કાર્યક્ષેત્રમાં ઝૂંપડપટ્ટીમાં રસ્તાઓનું કોંક્રીટીકરણ કરવા સાથે પાયાની સુવિધાઓના વિકાસને પ્રાથમિકતા આપવામાં આવશે. ઉપરાંત 2000 મ્યુનિસિપલ શાળાઓમાં જિમ સ્થાપવા માટે પણ આ ભંડોળનો ઉપયોગ કરવામાં આવશે. યાદ રહે કે 2022-23ના વર્ષ માટે ફાળવાયેલી રકમમાંથી 99 ટકા ભંડોળનો વિવિધ વિકાસકાર્યો માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વર્ષ 2023-24માં વાર્ષિક વિકાસ યોજના હેઠળ 920 કરોડ રૂપિયા, અનુસૂચિત જાતિ ઉપ-યોજના હેઠળ 51 કરોડ રૂપિયા તથા આદિવાસી ઉપ-યોજના હેઠળ 5.71 કરોડ રૂપિયા મળીને કુલ 976.71 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. બજેટમાં આ ભંડોળની જોગવાઇ થઈ ગઈ હોવાથી આ કામો ઝડપભેર થશે.ચેતના કોલેજ ખાતે મુંબઈ ઉપનગર જિલ્લા સમિતિની બુધવારે યોજાયેલી બેઠકમાં મુંબઈ ઉપનગર જિલ્લાના પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ આ જાણકારી આપી હતી.

આ બેઠકમાં જનપ્રતિનિધિઓ ઉપરાંત મુંબઈ ઉપનગરીય કલેક્ટર રાજેન્દ્ર ભોસલે, મેટ્રોપોલિટન મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ મુંબઈ મ્યુનિસિપલ કમિશનર પી. વેલરાસુ, અશ્વિની બી.એ હાજરી આપી હતી.ઝૂંપડપટ્ટીના રહેવાસીઓનું જીવન ધોરણ સુધારવા માટે રાજ્ય સરકાર વિશેષ પ્રયાસો કરી રહી છે. ખાસ કરીને ઝૂંપડપટ્ટી અને ચાલીઓમાં આંતરિક રસ્તાઓ, ગટર વ્યવસ્થા, પાણી પુરવઠો, વીજળી, જાહેર જમીન પર રમતના મેદાન, બાગ-બગીચા અને અન્ય સુવિધાઓનાં બાંધકામ કરવામાં આવશે.

ઉપરાંત ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં બેરોજગારો માટે કૌશલ્ય વિકાસ અને આરોગ્યલક્ષી સુવિધાઓના વિકાસ માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. શહેરી બિન-દલિત વસાહતોનુા વિકાસ માટે રૂ. 488.48 કરોડ, ઝૂંપડપટ્ટી વાસીઓના નિવાસી સ્થળાંતર, પુનર્વસન યોજના અને સુરક્ષા દિવાલનાં બાંધકામ માટે રૂપિયા 115 કરોડ તથા કૌશલ્ય વિકાસનાં કાર્યક્રમો માટે રૂપિયા પાંચ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ માટે ત્રણ ટકા ભંડોળની જોગવાઇ હોવાનું મંત્રી શ્રી લોઢાએ જણાવ્યું હતું. આ ઉપરાંત નવી યોજનાઓ માટે 27.97 કરોડ અને દલિત વસાહત સુધારણા યોજનાઓ માટે રૂ. 47.51 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

બાલ ભવન બનાવવાની દરખાસ્ત
પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે, મહિલા અને બાળ વિકાસ માટેના 18.65 કરોડ રૂપિયાના ભંડોળમાંથી વર્ષ 2023-24માં જિલ્લામાં મહિલા અને બાલ ભવન બનાવવાની દરખાસ્ત છે. આ પ્રોજેક્ટ ચેમ્બુરમાં ચિલ્ડ્રન એઇડ સોસાયટીની ખાલી પડેલી જમીન પર હાથ ધરવામાં આવશે. મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા ઉત્પાદિત માલસામાનના વેચાણ માટે મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મોલની જમીન પર ખાસ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ વિભાગની જિલ્લા કક્ષાની સંસ્થાઓના મજબૂતીકરણ માટે વિશેષ પ્રયાસો સરકાર કરી રહી છે. આજ રીતે બાળ વિકાસના પ્રોજેક્ટ અંતર્ગત આંગણવાડીઓનો વિકાસ કરવાનું આયોજન છે.

ફ્લેમિંગો પાર્કમાં સુવિધાઓ
મહારાષ્ટ્રના વિવિધ પ્રવાસન મથકોના વિકાસ માટે તથા પાયાની સુવિધાઓ ઉભી કરવા માટે રૂપિયા ૬૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રવાસન વિકાસ નિગમને આપવામાં આવેલી જમીન પર વિવિધ પ્રવાસન વિકાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. ભાંડુપ ફ્લેમિંગો પાર્કમાં પ્રવાસીઓ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવશે અને પૂર્વ ઉપનગરોના ખાડીના કિનારા પર પ્રવાસીઓ માટે મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us