મુલુંડ (પૂર્વ) સ્થિત આનંદનગર ટોલનાકા પાસે નાઈટ પેટ્રોલિંગ અને નાકાબંધી દરમિયાન નવઘર પોલીસે ગેરકાયદે માંસની હેરાફેરીના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. શાકભાજી એટલે કે કોબીજના જથ્થાની નીચે છુપાવીને લઈ જવાતું આશરે ૩૦૦ કિલો માંસ પોલીસે ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં પોલીસે માંસનો જથ્થો અને હેરાફેરીમાં વપરાયેલો ટેમ્પો મળીને કુલ રૂા. ૨.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તથા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દુર્ગંધના આધારે પોલીસને થઈ શંકા
ઘટનાની મળતી વિગતો અનુસાર, ૧૩ નવેમ્બર, ૨૦૨૬ની રાત્રે નવઘર પોલીસ સ્ટેશનના પોલીસકર્મી અનિલ શેડગે પોતાના સાથી કર્મચારીઓ સાથે આનંદનગર ટોલનાકા વિસ્તારમાં નાઈટ ડ્યુટી અને નાકાબંધી પર તૈનાત હતા. મોડી રાત્રે આશરે સવા બાર વાગ્યાના સુમારે ત્યાંથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ ટેમ્પોને પોલીસે તપાસ અર્થે રોક્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ ટેમ્પોમાં ઉપરના ભાગે કોબીજ ભરેલી હોવાનું જણાયું હતું, પરંતુ વાહનમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી પોલીસકર્મીઓને શંકા ગઈ હતી.

કોબીજ હટાવતા જ મળી આવ્યા માંસના ટુકડા
પોલીસે ટેમ્પો ચાલક મોહમ્મદ ઝીશાન શેખની આ દુર્ગંધ અંગે પૂછપરછ કરી હતી, પરંતુ તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. પરિણામે, પોલીસે ટેમ્પોની ઊંડાણપૂર્વક તપાસ કરતા ઉપર રાખેલી કોબીજની નીચેથી મોટા પ્રાણીઓના માંસના ટુકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ સમયે ટેમ્પોમાં ચાલક મોહમ્મદ ઝીશાન શેખ ઉપરાંત અન્ય બે શખ્સો બબલુ નેગ અને સૈયદ ચિરાકોટ્ટીન પણ હાજર હતા, જેમની પોલીસે અટકાયત કરી લીધી હતી.
સંગમનગરથી ગોવંડી લઈ જવાતો હતો જથ્થો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી ટેમ્પોચાલકે કબૂલાત કરી હતી કે તેઓ આ ગેરકાયદે માંસનો જથ્થો સંગમનગર વિસ્તારમાંથી લાવ્યા હતા અને તેને ગોવંડી ખાતે પહોંચાડવા જઈ રહ્યા હતા. હાલમાં નવઘર પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને આ માંસ કયા પ્રાણીનું છે, તે ક્યાંથી કતલ કરીને લાવવામાં આવ્યું હતું અને આ રેકેટમાં અન્ય કોણ-કોણ સામેલ છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


