મુલુંડ-વેસ્ટના તહેવારોના પવિત્ર દિવસોમાં એક ગુજરાતી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઘરમાં સવારના સમયે પૂજા-અર્ચના કરી રહેલી માત્ર ૯ વર્ષની માસૂમ બાળકી જિનાજ્ઞા શાહનાં કપડાંમાં અકસ્માતે દીવાની આગ લાગી જતાં તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. અંદાજે ૮૦ ટકા જેટલી દાઝી ગયેલી આ બાળકીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
કેવી રીતે બની સમગ્ર ઘટના?
આ કમનસીબ બનાવ મુલુંડ-વેસ્ટ સ્થિત ‘રુણવાલ ઍન્થેરિયમ’ (Runwal Anthurium) કોમ્પ્લેક્સના ‘જેમિની’ ટાવરમાં બન્યો હતો. ગુરુવારે સવારે ૯ વર્ષીય જિનાજ્ઞા પોતાના ઘરમાં ભગવાનની પૂજા કરી રહી હતી. આ દરમિયાન અચાનક પ્રગટાવેલા દીવાની જ્વાળા તેનાં કપડાંને અડી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બાળકી ગંભીર રીતે લપેટમાં આવી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ તાત્કાલિક આગ બુઝાવી હતી અને ગંભીર હાલતમાં જિનાજ્ઞાને મુલુંડની જ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી.

ડૉક્ટરોના અથાગ પ્રયાસો છતાં ન બચી શકી બાળકી
હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર, આગને કારણે બાળકીનું શરીર લગભગ ૮૦ ટકા જેટલું દાઝી ગયું હતું, જેના લીધે તેની હાલત અત્યંત નાજુક હતી. ડૉક્ટરોની ટીમે તેનો જીવ બચાવવા માટે દિવસભર અથાગ પ્રયાસો કર્યા હતા, પરંતુ ઈજાઓ અત્યંત ગંભીર હોવાથી ગુરુવારે મોડી રાત્રે જિનાજ્ઞાએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
પરિવાર અને સોસાયટીમાં શોકનો માહોલ
આ અંગે માહિતી આપતાં મુલુંડ પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતક બાળકીના પિતા જિનેશ શાહ સિરેમિકના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જ્યારે તેની માતા ડૉ. અમી વ્યવસાયે તબીબ છે. જિનેશભાઈનાં ત્રણ સંતાનોમાં જિનાજ્ઞા સૌથી નાની અને સૌની લાડકી હતી. ખુદ એક ડૉક્ટર માતા હોવા છતાં પોતાની વહાલસોયી દીકરીને ન બચાવી શકવાની વેદનાએ પરિવારને અંદરથી તોડી નાખ્યો છે.
પોલીસ કાર્યવાહી અને અંતિમ સંસ્કાર
હોસ્પિટલ તરફથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં મુલુંડ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. શુક્રવારે સવારે ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલ ખાતે બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો (ADR) નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

શુક્રવારે બપોરે પરિવારજનો, સગા-સંબંધીઓ અને સોસાયટીના રહીશોની અશ્રુભીની આંખો વચ્ચે મુલુંડના સ્મશાનગૃહ ખાતે જિનાજ્ઞાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઘરમાં પૂજા જેવા શુભ કાર્ય સમયે બનેલી આ અણધારી દુર્ઘટનાથી સમગ્ર રુણવાલ ઍન્થેરિયમ સોસાયટીમાં ગમગીની છવાઈ ગઈ છે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


