મુંબઈ: દિવાળીની ઉજવણી વચ્ચે મુંબઈના ભાંડુપ (વેસ્ટ) વિસ્તારમાં આવેલા જાણીતા ‘ડ્રીમ્સ મોલ’ (Dreams Mall) માં મંગળવારે સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. આ મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર અચાનક આગ લાગતા વિસ્તારમાં ભારે દોડધામ અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.
માર્ચ 2021થી બંધ મોલ હોવાથી મોટી જાનહાનિ અટકી
આ આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજા થયાના અહેવાલ નથી. આ મોલ માર્ચ 2021 થી જ સંપૂર્ણપણે બંધ રહેલો છે, જેના કારણે એક મોટો અકસ્માત ટળી ગયો હતો. ઉલ્લેખનીય છે કે માર્ચ 2021માં આ જ ડ્રીમ્સ મોલમાં લાગી હતી તે ભયાનક આગમાં 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જેમાં મોટા ભાગના મોલની અંદર કાર્યરત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોવિડ-19ના દર્દીઓ હતા.

આગનું પ્રાથમિક કારણ: ફટાકડા કે શોર્ટ-સર્કિટ?
સ્થાનિક અહેવાલો મુજબ, આગ લાગવાના સચોટ કારણો અંગે તપાસ ચાલુ છે. જોકે, પ્રાથમિક વિગતો અનુસાર દિવાળીના ઉત્સવ દરમિયાન ફોડવામાં આવેલા ફટાકડા અથવા તો શોર્ટ-સર્કિટના કારણે આ આગ લાગી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક રહીશોમાં ચિંતા અને ભય
જ્યારે આગના કાળા અને ઘટ્ટ ધુમાડાના ગોટા મોલમાંથી બહાર નીકળતા દેખાયા ત્યારે આસપાસના રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. અગાઉ પણ આ જ જગ્યાએ બનેલી ગંભીર ઘટનાની યાદ તાજી થતાં સ્થાનિક લોકોમાં ભારે ચિંતા અને ગભરાટ ફેલાઈ ગયો હતો.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


