મુલુન્ડ પશ્ચિમ વિસ્તારમાંથી એક વિશ્વાસઘાત અને ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુલુન્ડ (વે) ખાતે ડમ્પિંગ રોડ પર આવેલા હાર્મની ટાવરમાં રહેતા ગુજરાતી વેપારી પંકજ મહેતાના ઘરે આ ઘટના બની છે. ઘરમાં બીમાર ભાઈની દેખરેખ માટે રાખવામાં આવેલા ૧૮ વર્ષીય કેરટેકરે જ લાખો રૂપિયાની કિંમતનું કુળદેવીનું ચાંદીનું સિંહાસન અને કિંમતી દાગીના ચોરી લીધા હોવાની સત્તાવાર ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, પંકજ મહેતાએ તેમના બીમાર ભાઈની દેખરેખ રાખવા માટે ૧૮ વર્ષીય લોક સોનુ શર્મા નામના યુવકને કેરટેકર તરીકે રાખ્યો હતો. પરંતુ આ યુવકે વિશ્વાસઘાત કરીને ઘરમાંથી કુલ રૂા. ૧.૬૨ લાખની કિંમતના કુળદેવીના ચાંદીના દાગીના અને અન્ય સામાનની ચોરી કરી લીધી હતી અને રફુચક્કર થઈ ગયો હતો.

સવારના સમયે ભાગી છૂટ્યો આરોપી
ઘટના અંગે વિગતવાર વાત કરીએ તો, ગત ૨૬ ઓક્ટોબરના રોજ વહેલી સવારે ૫ વાગ્યાના અરસામાં પંકજભાઈના બીમાર ભાઈ જ્યારે હોલમાં ગયા, ત્યારે રોજ હોલમાં સૂતો રહેલો કેરટેકર લોક સોનુ ત્યાં હાજર નહોતો. આથી તેમને શંકા ગઈ અને તેના મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે ફોન રિસીવ કર્યો ન હતો. શરૂઆતમાં પરિવારને એમ લાગ્યું કે તે કદાચ કોઈ જરૂરી કામકાજ અર્થે બહાર ગયો હશે, જેથી કોઈ ચિંતા ન થઈ.
સાંજે પૂજા કરવા જતાં ચોરીનો ભાાંડો ફૂટ્યો
સાંજ ટાણે જ્યારે પંકજ મહેતા ઘરના હોલમાં આવેલા મંદિરમાં પૂજા કરવા માટે ગયા, ત્યારે તેમને મોટો આઘાત લાગ્યો હતો. મંદિરની અંદર રાખેલું કુળદેવી માતાનું ચાંદીનું સિંહાસન, મૂર્તિ, ચાંદીનો હાર, બે ઝુમ્મર તેમજ મહેતા પરિવારે તેને ઉપયોગ માટે અપાવેલો રૂા. ૧૨ હજારની કિંમતનો મોબાઈલ ફોન પણ ગાયબ હતો. કેરટેકર સોનુ આ તમામ કિંમતી ચીજવસ્તુઓ લઈને નાસી છૂટ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું.

મુલુન્ડ પોલીસે હાથ ધરી તપાસ
ઘરના જ વિશ્વાસુ નોકર દ્વારા આ પ્રકારે લાખો રૂપિયાની ચોરી કરવામાં આવતા પંકજ મહેતાએ તુરંત જ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં પહોંચીને લોક સોનુ વિરુદ્ધ ચોરીની સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા કેરટેકરની શોધખોળ અને આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


