મુંબઈ અને થાણે વચ્ચે ચાલી રહેલા મેગા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હાલમાં સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો માટે સુવિધાના બદલે ભારે આફત સાબિત થઈ રહ્યા છે. નિર્માણાધીન મેટ્રો-૪ (વડાલાથી કાસરવડવલી) લાઈનની બેદરકારીભરી કામગીરીને કારણે મુલુન્ડ, ભાંડુપથી થાણે સુધીના સમગ્ર એલબીએસ (LBS) માર્ગ પર વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી હાલાકી સર્જાઈ છે. વરસાદ દરમિયાન મેટ્રોના પિલર્સ, ગર્ડર્સ અને વિવિધ ગેપમાંથી ધોધની જેમ પાણી સીધું નીચે રસ્તા પર ખાબકી રહ્યું છે, જેના કારણે દરરોજ નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે.
ડ્રેનેજ પાઈપો કોરીધાકોર, રસ્તા પર પાણીના ધોધ
સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોના જણાવ્યા મુજબ, મેટ્રો એલિવેટેડ સ્ટ્રક્ચર પર લગાવવામાં આવેલી ડ્રેનેજ પાઈપો સાવ કોરીધાકોર પડી છે. ડ્રેનેજ સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ જતાં વરસાદનું પાણી પાઈપો મારફતે જવાના બદલે સીધું મેટ્રો ગર્ડર્સમાંથી ધોધ સ્વરૂપે નીચે રોડ પર પડી રહ્યું છે.

મુલુન્ડના એક સ્થાનિક રહેવાસીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “પૂરઝડપે સીધું ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકો પર પડતા પાણીના લીધે વાહન પરથી સંતુલન ગુમાવવાનું અને વિઝિબિલિટી (દ્રશ્યતા) ઘટવાનું ભારે જોખમ ઊભું થાય છે.”
રોજ ૨ થી ૩ અકસ્માત, ખાડાઓનું સામ્રાજ્ય
મહત્ત્વના અને અત્યંત વ્યસ્ત ગણાતા એલબીએસ માર્ગ પર સતત પાણી પડવાને કારણે રસ્તાઓ ધોવાઈ રહ્યા છે અને મોટા-મોટા ખાડા પડી ગયા છે. સ્થાનિક નાગરિકોએ દાવો કર્યો છે કે ભાંડુપથી થાણે સુધીના પટ્ટામાં આ ખરાબ રસ્તાઓ અને ધોધ જેવા પાણીના કારણે દરરોજ ૨ થી ૩ વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
પ્રશાસનની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં રોષ
દિવસે-દિવસે અકસ્માતોની સંખ્યા વધતી હોવા છતાં, સંબંધિત તંત્ર અને બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. મેટ્રો કન્સ્ટ્રક્શન કંપની અને પાલિકાની આ બેદરકારી સામે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455

