લોટરીના નામે કે લકી ડ્રોના નામે લોકોને છેતરતી સાયબર ગુનેગારોની ટોળકીએ મુલુંડની એક ગૃહિણીને પોતાનો શિકાર બનાવી છે. ઓનલાઈન લોટરીમાં મોંઘીદાટ કાર જીતવાની લાલચમાં આ મહિલાએ પોતાના લાખો રૂપિયા ગુમાવી દીધા છે. આ મામલે પીડિત મહિલાએ પોલીસ સ્ટેશન અને સાયબર હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવી છે.
રૂા. ૮ લાખની કાર લાગી હોવાનો આવ્યો ફોન
મળતી માહિતી મુજબ, મુલુન્ડ પશ્ચિમમાં આવેલા યોગી હિલ્સ વિસ્તારમાં સીમા પિલ્લઈ નામની ગૃહિણી રહે છે. ગત ૮ જૂન ૨૦૨૬ના રોજ બપોરના સમયે સીમાબેનના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર સાયબર ગઠિયાએ ખૂબ જ નમ્રતાથી વાત કરીને સીમાબેનને જણાવ્યું કે, “તમારી ઓનલાઈન લોટરી લાગી છે અને તમે રૂા. ૮ લાખની કિંમતની ચમકતી કાર જીતી ગયા છો.”

ટેક્સ અને પ્રોસેસિંગ ફીના નામે લાખો રૂપિયા પડાવ્યા
કાર જીતવાની વાત સાંભળીને સીમા પિલ્લઈ સાયબર ગઠિયાની માયાજાળમાં ફસાઈ ગયા હતા. ત્યારબાદ ગઠિયાઓએ કાર ડિલિવરી કરવા, આરટીઓ ટેક્સ, જીએસટી અને પ્રોસેસિંગ ફી જેવા અલગ-અલગ બહાના હેઠળ પૈસાની માંગણી શરૂ કરી હતી.
ગઠિયાઓના ઝાંસામાં આવીને ગૃહિણીએ ૮ જૂન ૨૦૨૬થી ૨૯ જૂન ૨૦૨૬ વચ્ચેના ગાળામાં ટુકડે-ટુકડે કરીને કુલ રૂા. ૮.૪૮ લાખ સાયબર ગુનેગારોએ આપેલા વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા.
વધુ રકમ માંગતા ભાંડો ફૂટ્યો
રૂા. ૮.૪૮ લાખ પડાવી લીધા બાદ પણ સાયબર ગુનેગારોની લાલચ અટકી નહોતી અને તેમણે સીમાબેન પાસે વધુ રકમની માંગણી ચાલુ જ રાખી હતી. સતત પૈસા માંગવામાં આવતા આખરે સીમાબેનને દાળમાં કઈ કાળું હોવાની શંકા ગઈ અને તેમણે સાયબર ગઠિયાઓને વધુ રકમ આપવાનો સ્પષ્ટ નનૈયો ભણી દીધો.

બીજા દિવસે જ્યારે તેમણે સામેથી પેલી લોટરીવાળા શખ્સના મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે નંબર સતત બંધ (Switch Off) આવતો હતો. નંબર બંધ આવતા જ સીમાબેનને જ્ઞાન લાધ્યું કે તેમની સાથે લોટરીના નામે મોટી સાયબર છેતરપિંડી થઈ ચૂકી છે.
પોલીસ અને સાયબર સેલમાં ફરિયાદ
પોતાની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતા જ સીમા પિલ્લઈએ તાત્કાલિક કેન્દ્ર સરકારની સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર કૉલ કરીને ઘટનાની જાણ કરી હતી અને ત્યારબાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં જઈને અજાણ્યા સાયબર ઠગો વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. મુલુન્ડ પોલીસે આ મામલે ગુનો નોંધીને જે બેંક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર થઈ છે તેની વિગતો મેળવી આગળની તપાસ શરૂ કરી છે.
સાયબર પોલીસની ચેતવણી: કોઈ પણ અજાણ્યા ફોન, એસએમએસ કે લિંક પર વિશ્વાસ કરીને લોટરી કે ઈનામની લાલચમાં આવવું નહીં. કોઈ પણ કાયદેસરની કંપની ઈનામ આપતા પહેલા ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાનું કહેતી નથી. જો આવી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત જ ૧૯૩૦ નંબર પર સંપર્ક કરવો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું… https://chat.whatsapp.com/GWJ3CqbR92e0qpODgUJ6gg
For more details… Contact 9322529232 / 9324483455
