વરસાદી વાતાવરણમાં શરદી, ઉધરસ, કફના કેસ વધી જતા હોય છે. આ સમસ્યાને લોકો સામાન્ય માની જાતે જ દવા કરવા લાગે છે. પરંતુ ડોક્ટરની સલાહ લીધા વિના લીધેલી દવા અને લાંબા સમયથી ન મટતી ઉધરસ ગંભીર બીમારીનું લક્ષણ પણ હોય શકે છે. આ અંગે જરૂરી જાણકારી રાજકોટના કાન-નાક-ગળાના સર્જન ડો હિમાંશુ ઠક્કરે આપી છે.
વરસાદી વાતાવરણમાં રોગચાળો વધી જતો હોય છે. જેમાં સૌથી વધારે કેસ શરદી, ઉધરસ, કફની સમસ્યાના જોવા મળે છે. આ સમસ્યાઓ એવી છે જેને અનેક લોકો ગંભીરતાથી નથી લેતા જેના કારણે તેઓ ડોક્ટર પાસે જવાનું જરૂરી નથી સમજતા. જેના કારણે આ સમસ્યા ગંભીર સ્વરુપ ધારણ કરી લે છે. જે સમસ્યા ડોક્ટરી સારવારની મદદથી થોડા દિવસોમાં મટી જાય તેને અવગણવાથી મહિનાઓ સુધી મટતી નથી. જ્યારે શરદી, ઉધરસ જેવી તકલીફ 1, 2 મહિના સુધી ચાલે ત્યારે દર્દી ડોક્ટર પાસે પહોંચે છે. પરંતુ આવી ભુલ કરવી નહીં તેમ રાજકોટના કાન-નાક-ગળાના સર્જન ડૉ. હિમાંશુ ઠક્કરનું જણાવવું છે.

બદલાતી ઋતુમાં થયેલી શરદી, ઉધરસ અને કફની સમસ્યા જો 1-2 મહિના સુધી ન મટે તો તે ગંભીર બીમારીનું લક્ષણ પણ હોય શકે છે. આ બીમારીઓમાં વાયરલ અથવા બેક્ટેરિયલ ઈન્ફેક્શન, સીઝનલ એલર્જી, સાઇનસ, નાકમાં મસા, કફ વેરીયન્ટ અસ્થમા, એસિડ રિફ્લક્સનો સમાવેશ થાય છે. આ સિવાય અમુક સમયે લાંબો સમય ચાલતી ઉધરસ, શરદી, કફ કેટલીક દવાઓની આડઅસર, પ્રદૂષણ અને ધુમ્રપાનના કારણે પણ હોય શકે છે.
સૂકી ઉધરસ ન મટવાનું કારણ શું હોય ?
ઘણા દર્દીને સૂકી ઉધરસની સમસ્યા લાંબો સમય ચાલે છે. આમ થવાનું કારણ પણ ડો ઠક્કરે જણાવ્યું છે. ડો હિમાંશુ ઠક્કરના જણાવ્યા અનુસાર મહિનાઓ સુધી દર્દીને સૂકી ઉધરસ ન મટે તેનું કારણ પોસ્ટ વાયરલ ઈન્ફ્લામેશન હોય શકે છે. જેમાં શરદી, ફ્લૂ અથવા અન્ય શ્વસન ચેપ મટી ગયા પછી પણ લાંબા સમય સુધી શ્વાસનળી સંવેદનશીલ રહે છે. જેના કારણે દર્દીને મહિનાઓ સુધી સૂકી ઉધરસ ચાલુ રહે છે.
ઉધરસ ન મટે તેના અન્ય કારણો
– બહારનું જંક ફૂડ, તળેલી વાનગીઓ
– વાસી ખોરાક
– વધુ ખાંડવાળા ઠંડા પીણાં
– અનિયમિત ભોજન
– રાત્રે મોડું જમવાની ટેવ

ડોક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક ન લેવી
ડો ઠક્કરે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે પણ શરદી, ઉધરસ કે કફ થાય તો ડૉક્ટરની સલાહ લીધા વગર મેડિકલ સ્ટોરમાંથી કફ સિરપ, એન્ટિબાયોટિક્સ અથવા અન્ય દવાઓ લેવાનું ટાળવું જોઈએ. એન્ટીબાયોટિક અને કફ સિરપનો બિનજરૂરી ઉપયોગ શરીર માટે હાનિકારક બની શકે છે. વારંવાર એન્ટિબાયોટિક લેવામાં આવે તો શરીરમાં એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
શરદી-ઉધરસમાં ઘરે શું કાળજી રાખવી?
- હુંફાળા પાણીમાં મીઠું ઉમેરી કોગળા કરવા.
- શરીરને હાઇડ્રેટ રાખવું.
- દિવસમાં 2–3 વખત વરાળ લેવી.
- ધૂળ, ધુમાડો, પરફ્યુમ જેવી તીવ્ર સુગંધથી દૂર રહેવું.
- જંક ફૂડ, વાસી ખોરાક અને વધુ ખાંડવાળા ઠંડા પીણાં ટાળવા.
- ધુમ્રપાન અને તમાકુથી સંપૂર્ણ દૂર રહેવું.
- ઉધરસ હોય ત્યારે માસ્ક પહેરવું.
ઉધરસ સાથે આ લક્ષણો દેખાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરો
1. ઉધરસ ત્રણથી આઠ અઠવાડિયા કરતાં વધુ સમય રહે.
2. ગળામાં દુખાવો થવો. ઉધરસ સાથે લોહી આવે.
3. શ્વાસ લેવામાં તકલીફ થાય અથવા છાતીમાં દુખાવો થાય.
4. સતત તાવ રહે અથવા રાત્રે પરસેવો વધારે થાય.
5. અચાનક વજન ઘટવા લાગે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
