મહારાષ્ટ્ર સરકાર ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મેળવતા એકલ માતાના સંતાનોને સહાયરૃપ બનવા માટે મહત્વપૂર્ણ નીતિ ઘડવાની તૈયારીમાં છે. આ અંતર્ગત કોલેજ પ્રવેશ ફોર્મમાં ‘સિંગલ પેરેન્ટ ચાઈલ્ડ’ નામનો અલગ વિભાગ ઉમેરવાની વિચારણા ચાલી રહી છે. રાજ્યના ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે, આ પગલાથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા એકલ માતાના સંતાનોની ચોક્કસ સંખ્યા જાણી શકાશે અને તેમના માટે લક્ષિત કલ્યાણકારી યોજનાઓ તૈયાર કરવામાં મદદ મળશે.
આ પ્રસ્તાવને આગળ વધારવા માટે રાજ્ય સરકાર એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરશે. આ સમિતિ એકલ માતાના સંતાનોને ફી રાહત, શૈક્ષણિક સહાય, કાઉન્સેલિંગ, હોસ્ટેલ પ્રવેશમાં પ્રાથમિકતા તથા અન્ય સવલતો આપવાની સંભાવનાઓનો અભ્યાસ કરશે. સમિતિ પોતાનો અહેવાલ સરકારને સોંપશે, જેના આધારે આગામી નીતિગત નિર્ણયો લેવામાં આવશે.

આ પ્રક્રિયાના ભાગરૃપે ૧૭ જૂને મહારાષ્ટ્રની લગભગ ૧૫૦૦ કૉલેજોના પ્રાચાર્યોે સાથે વિશેષ ઓનલાઈન બેઠક યોજાશે. બેઠકમાં પ્રવેશ પ્રક્રિયા દરમિયાન એકલ માતાના સંતાનોની ચોક્કસ નોંધણી કેવી રીતે કરવી તે અંગે ચર્ચા કરવામાં આવશે. હાલમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં આવા વિદ્યાર્થીઓની અલગથી નોંધ કરવાની કોઈ વ્યવસ્થા નથી, તેથી કોલેજ સ્તરે યોગ્ય અને વિશ્વસનીય માહિતી એકત્રિત કરવાની વ્યવસ્થા ઊભી કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
આ પહેલ રાજ્યના બજેટ સત્ર દરમિયાન એકલ માતાઓ માટે અલગ નીતિ જાહેર કરવાની જાહેરાત બાદ આગળ વધી રહી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશ્નરની અધ્યક્ષતામાં પહેલેથી જ એક સમિતિ રચવામાં આવી છે, જેમાં ઉચ્ચ શિક્ષણ નિયામક શૈલેન્દ્ર દેઓલંકર અને સૌ એકલ મહિલા સમિતિના રાજ્ય સંયોજક હેરંબ કુલકર્ણી સભ્ય તરીકે જોડાયેલા છે. સરકારનું માનવું છે કે આ નવી વ્યવસ્થાથી એકલ માતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે વધુ અસરકારક રીતે જોડવામાં મદદ મળશે અને તેઓ વિવિધ સરકારી યોજનાઓનો વધુ સારી રીતે લાભ લઈ શકશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
