મુંબઈમાં બુધવારે ગરમીનું મોજું ફરી વળ્યું હતું. હોળીની ઉજવણી પૂરી થવાની સાથે જ બુધવારે દિવસ દરમ્યાન મુંબઈમાં ૩૮.૭ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાતા માર્ચના પહેલા જ અઠવાડિયામાં મુંબઈગરાએ આકરી ગરમી અનુભવી હતી. હવામાન ખાતાએ આજ માટે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ માટે યલો અલર્ટની ચેતવણી આપી છે અને તાપમાનનો પારો હજી ઊંચો જવાની શક્યતા વ્યક્ત કરી છે.
હોળી પૂરી થવાની સાથે જ મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં ઉનાળાની આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. મુંબઈમાં દિવસ દરમ્યાન સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૮.૭ ડિગ્રી જેટલું ઊંચુ નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૫.૭ ડિગ્રી વધુ હતું. બુધવારનું તાપમાન ચાલુ મોસમમાં માર્ચ મહિનાનું અત્યાર સુધીનું સૌથી ઊંચુ તાપમાન રહ્યું હતું. રાજ્યમાં પણ સૌથી વધુ ગરમી વિદર્ભના અકોલામાં ૩૯.૩ ડિગ્રી જેટલું નોંધાયું હતું.

સોમવાર સુધી મુંબઈમાં હળવી ઠંડક જણાઈ રહી હતી. મોડી રાતના અને વહેલી સવારના ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મુંબઈમાં હજી મંગળવારે મહત્તમ ૩૩.૭ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા એક ડિગ્રી વધુ હતું અને બુધવારે અચાનક તેમાં મોટો વધારો નોંધાઈને પારો ૩૮.૭ ડિગ્રી જેટલું ઊચું તાપમાન નોંધાયું હતું.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ બુધવારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૫.૭ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૪.૫ ડિગ્રી વધારે હતું. મંગળવારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૦.૬ ડિગ્રી નોંધાયું હતું.
મુંબઈ, થાણેમાં યલો અલર્ટ
મુંબઈ સહિત રાજ્યમાં હોળી પૂરી થવાની સાથે જ આકરા ઉનાળાનું આગમન થઈ ગયું છે. સત્તાવાર રીતે હવામાન વિભાગે હીટ-વેવની ચેતવણી આપી નથી પણ બુધવારે ઊંચુ તાપમાન નોંધાયા બાદ ભારતીય હવામાન વિભાગે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લા માટે યલો અલર્ટ જાહેર કર્યું છે. અલગ-અલગ વિસ્તારમાં ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ શકે છે.
પારો ઊંચો પણ હીટ વેવ નથી!
ભારતીય હવામાન વિભાગના સાયન્ટિસ્ટ સુષમા નાયરે જણાવ્યું હતું કે મુંબઈ સહિત રાજ્યમાં તાપમાનનો પારો ઊંચો નોંધાયો હતો. બુધવારના મુંબઈમાં ૩૮.૭ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાયું હતું અને ગુરુવારે પણ ઊંચું તાપમાન નોંધાવાની શક્યતા છે પણ આ હીટ-વેવની અસર ગણી શકાય નહીં. હીટ-વેવ જાહેર કરવા માટે ટેક્નિકલ માપદંડોને બુધવારનું તાપમાન પૂરતું નથી. હીટ-વેવ ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે ઓછામાં ઓછા સતત બે દિવસ સુધી તાપમાનનો પારો ૩૭ ડિગી અથવા તેનાથી ઉપર નોંધાય.

બુધવારના ઊંચા તાપમાન માટે પ્રદેશમાં રહેલું એન્ટીસાયક્લોન સર્ક્યુલેશન જવાબદાર હતું, જે ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાત તરફથી સૂકા ઉત્તર-પૂર્વીય જમીનના પવનો અને ઠંડા દરિયાઈ પવનો મોડા લાવે છે.
શહેર કરતા ઉપનગરમાં ગરમી કેમ વધુ?
હવામાનના નિષ્ણાતના કહેવા મુજબ સાંતાક્રુઝમાં ૩૮.૭ ડિગ્રી અને કોલાબામાં ૩૫.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. શહેરની સરખામણીમાં ઉપનગરના આઈએમડી સ્ટેશનમાં તાપમાન વધુ નોંધાયુું હતું. કોલાબા ત્રણ બાજુથી દરિયાથી ઘેરાયેલું છે અને દરિયાઈ પ્રભાવથી તાપમાન નીચું રહે છે જયારે ઉપનગરમાં દરિયાઈ પવનોને પહોંચવામાં મોડું થાય છે. આ પવનો જમીન પરથી ફૂંકાઈને ગરમ થાય છે અને તેથી શહેરની સરખામણીમાં ઉપનગરમાં ગરમી વધુ જણાય છે. તેથી જ સાંતાક્રુઝથી આગળ અને ઘાટકોપર, ચેમ્બુર, મુલુંડ અને થાણે સહિતના વિસ્તારમાં તાપમાનનો પારો ઊંચો નોંધાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
