મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મંગળવાર 3 ફેબ્રુઆરીના ગેસ ટેન્કર પલટી થવાથી હાઈવે લગભગ 32 કલાક સુધી જામ રહ્યો હતો. એના લીધે વાહનચાલકો, પ્રવાસીઓએ સખત હેરાનગતિ ભોગવવી પડી હતી. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પરના મિસિંગ લિન્કનું કામ પૂરું થયું હોવા છતાં આ રોડ વાહનવ્યવહાર માટે બંધ છે. એ ચાલુ હોત તો ટ્રાફિકજામ ટાળી શકાયો હોત એમ જણાવવામાં આવે છે. જો કે આ મિસિંગ લિન્ક પ્રકલ્પમાં ઘણો વિલંબ થયો છે.
હવે આ પ્રકલ્પ ઝડપથી પૂરો કરવાનો આદેશ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી તથા નગરવિકાસ મંત્રી એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળને આપ્યો છે. તેથી હવે એમએસઆરડીસીએ આ પ્રકલ્પને ઝડપી કર્યો છે અને 1 મે વાહનવ્યવહાર માટે મિસિંગ લિન્ક શરૂ કરવાનું નિયોજન કર્યું છે.
આ પ્રકલ્પનું અત્યાર સુધી 95 ટકાથી વધુ કામ પૂરું થયું છે. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિકજામની સમસ્યા ઉકેલવા અને મુંબઈથી પુણેનો પ્રવાસ વધુ ઝડપી કરવા એમએસઆરડીસીએ ખપોલીથી કુસગાવ 13.3 કિલોમીટરનો નવો રોડ બાંધવાનો નિર્ણય લીધો.

આ રોડ એ જ મિસિંગ લિન્ક છે. એના કામની 2019માં બે તબક્કામાં શરૂઆત કરવામાં આવી. આ કામ 2021માં પૂરું થઈને રોડ શરૂ થવો અપેક્ષિત હતું. જો કે અનેક કારણોસર આ પ્રકલ્પમાં વિલંબ થયો અને હજી પણ વાહનવ્યવહાર માટે શરૂ થયો નથી.
આ રોડ સમયસર તૈયાર થઈને વાહનવ્યવહાર માટે શરૂ થયો હોત તો 32 કલાકનો ટ્રાફિકજામ ટાળી શકાયો હોત એમ જણાવવામાં આવે છે. મિસિંગ લિન્ક રોડના લીધે વાહનચાલકોને એક જુદો વિકલ્પ મળ્યો હોત અને વાહનવ્યવહારમાં કોઈ અડચણ ઊભી ન થાત. તેથી મિસિંગ લિન્ક પ્રકલ્પમાં વિલંબ થવા માટે એમએસઆરડીસી પર ટીકા થઈ રહી છે.
બીજી તરફ મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ પણ એના પર નારાજગી વ્યક્ત કરી છે. મંગળવારની ઘટના પછી તેમણે મિસિંગ લિન્કનું કામ વહેલાસર પૂરું કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ પછી એમએસઆરડીસીના અધિકારીઓએ મિસિંગ લિન્કનું કામ વધુ ઝડપી કરવાની દષ્ટિએ પ્રયત્ન શરૂ કર્યા છે. કામની નિરીક્ષણ કરીને હવે અધિકારીઓ કામ પર ઝીણી નજર રાખી રહ્યા છે.
બાકીના કામ એપ્રિલ સુધી પૂરા: મિસિંગ લિન્કનું કામ અત્યાર સુધી 95 ટકા પૂરું થયું છે. બાકીના કામ એપ્રિલ સુધી પૂરા કરવામાં આવશે. એ પછી ભાર ઉંચકવાની દષ્ટિએ જે પરીક્ષણ કરવામાં આવે છે એ પૂરા કરવામાં આવશે અને 1 મે આ રોડ વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવશે એવી માહિતી એમએસઆરડીસીના વ્યવસ્થાપકીય સંચાલક અનિલકુમાર ગાયકવાડે આપી હતી. આ રોડ શરૂ થશે પછી હાઈવે પરનો ઘાટ પૂર્ણપણે ટાળી શકાશે.

6 કિમી અંતર ઓછું થશે મિસિંગ લિન્ક રોડ શરૂ થશે એટલે એક્સપ્રેસ વે પર 6 કિલોમીટર જેટલો પ્રવાસ ઓછો થશે અને 30 મિનિટની બચત થશે. મહત્વની વાત એટલે આ રોડ પર વિસ્ફોટકો, જ્વલનશીલ પદાર્થો લઈ જતા વાહનો માટે બંધી મૂકવામાં આવશે. તેથી આ રોડ પ્રવાસ વધુ સુરક્ષિત થશે.
વાયુ ગળતર કે ગળતરના કારણે વિસ્ફોટ જેવી દુર્ઘટનાનો ડર નહીં હોય. મિસિંગ લિન્ક અતિઝડપી પ્રવાસ માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે. 1 મેના આ રોડ શરૂ થશે એટલે વાહનચાલકોને ઘણી રાહત મળશે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
