મુંબઈમાં સગીર છોકરા-છોકરીઓના ગુમ થવાનું પ્રમાણ ગંભીર અને ચિંતાજનક સ્તરે ઉભરીને સામે આવ્યું છે. મુંબઈ શહેરમાં ફક્ત ૩૬ કલાકમાં સાત પોલીસ સ્ટેશનની હદમાંથી આઠ છોકરીઓ સહિત બાર સગીરો ગુમ થતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બાદ ગુમ થયેલા સગીરોના માતા-પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ ૧૩૭(૨) હેઠળ અપહરણની શંકાના આધારે ૧૨ અજાણ્યા વ્યક્તિઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે. આ ઘટનાઓએ શહેરમાં કાર્યરત સંગઠિત બાળતસ્કરી નેટવર્કની હાજરી અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે.
આ બાબતે પોલીસ રેકોર્ડ મુજબ શિવાજીનગર (ચાર કેસ), સાકીનાકા (બે કેસ), એન્ટોપહિલ (બે કેસ), ઓશિવારા, માનખુર્દ, બાંગુરનગર અને ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં સંગીરોના અપહરણના પ્રત્યેકે એક-એક કેસ નોંધવામાં આવ્યા છે. આ બાબતે પોલીસ સૂત્રોનુસાર અત્યાર સુધી કોઈ પણ પરિવાર દ્વારા ખંડણી બાબતે ફોન આવ્યો હોવાની પુષ્ટિ કરવામાં આવી નથી. જેને પોલીસે સકારાત્મક સંકેત ગણાવ્યો છે. તપાસકર્તાઓએ સ્પષ્ટ કહ્યું હતું કે તેમની પ્રાથમિકતા બાળકોની તાત્કાલિક સલામતી પર રહેશે.

આ ઘટનાઓ બાદ પોલીસે શહેર વ્યાપી શોધ અભિયાન શરૃ કર્યું છે. જેમાં ગુમ થયેલા સગીરો/બાળકોના ફોટા વ્યસ્ત બજારો, જાહેર બગીચાઓ, રેલવે સ્ટેશનો, બસ ડેપો, હોસ્પિટલો, બાળગૃહો અને અન્ય જાહેર સ્થળે ફરતા કર્યા છે.
પોલીસ સૂત્રોનુસાર જે બાર સગીરો ગુમ થયા છે. તેમાં સૌથી વધુ કેસ પૂર્વીય પરા શિવાજીનગર વિસ્તારમાંથી છે. અહીંથી ૧૨ અને ૮ અને ૧૭ વર્ષના બાળકો કિશોરો અને ૧૭ વર્ષની એક કિશોરીનો સમાવેશ થાય છે. જ્યારે સાકીનાકામાંથી ૧૪ અને ૧૬ વર્ષની બે કિશોરીઓ ગુમ થઈ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે એન્ટોપ હિલમાંથી ૧૨ વર્ષનો છોકરી અને ૧૫ વર્ષની કિશોરી ગુમ થઈ હોવાનું નોંધાયું છે.
પોલીસને શંકા છે કે બાળકોના ગુમ થવા પાછળ અમુક કેસમાં માનવ તસ્કરીનું પરિબળ હોઈ શકે છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં કૌટુંબિક વિવાદો અથવા અન્ય કોઈ પણ કારણસર બાળકો ઘરેથી ભાગી છૂટયા હોવાની શક્યતા છે. મુંબઈ પોલીસના રેકોર્ડ મુજબ જૂન અને ડિસેમ્બર ૨૦૨૫ વચ્ચે ૧૪૫ બાળકો ગુમ થયા હતા. જેમાં ૯૩ છોકરીઓનો સમાવેશ થાય છે. ગુમ થયેલાઓમાં અડધાથી વધુ મોટી ઉંમરના કિશોરોનો સમાવેશ થતો હતો. ઉક્ત કિસ્સાઓમાંથી બાળકોને શોધી કાઢવામાં આવ્યા હતા અને સુરક્ષિત રીતે તેમના માતા-પિતા સાથે તેમનું પુનર્મિલન કરવામાં આવ્યું હતું.
જૂન-ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન ગુમ થયેલા બાળકોની વિગત
જૂન મહિનામાં કુલ ૨૬ બાળકો ગુમ થયા હતા જેમાં બધી જ છોકરીઓ હતી. જુલાઈમાં પચ્ચીસ બાળકો જેમાં ૧૫ છોકરા અને ૧૦ છોકરીઓનો સમાવેશ થતો હતો. ઓગસ્ટમાં ૧૯ બાળકો (પાંચ છોકરા, ૧૪ છોકરીઓ), સપ્ટેમ્બરમાં ૨૧ બાળકો (છ છોકરા, ૧૫ છોકરીઓ), ઓક્ટોબરમાં ૧૯ બાળકો (૧૨ છોકરા, સાત છોકરીઓ), નવેમ્બરમાં ૨૪ બાળકો (નવ છોકરા, ૧૫ છોકરીઓ) અને ડિસેમ્બરમાં ૧૧ બાળકો (પાંચ છોકરા, છ છોકરી)નો સમાવેશ થાય છે.

અફવા ફેલાવશો તો પગલાં ઃ મુંબઈ પોલીસ
મુંબઈ પોલીસે બાળકોના અપહરણ બાબતે એક એક્સ પોસ્ટ મૂકી હતી જેમાં સ્પષ્ટ કર્યું હતું કે કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સ ખોટા ડેટા રજૂ કરી રહ્યા છે. ગુમ થયેલા અને અપહરણ કરાયેલા બાળકોના કિસ્સાઓ અંગે અફવા ફેલાવી રહ્યા છે. અમે આ દાવાઓને સ્પષ્ટપણે નકારીએ છીએ. ઇરાદાપૂર્વક ખોટી માહિતી ફેલાવનારા અને જાહેરમાં ગભરાટ ફેલાવનારાઓ સામે એફઆઇઆર નોંધવા સહિતની કાર્યવાહી પ્રક્રિયા હેઠળ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
