મુંબઈ અને તેનાં ઉપનગરોમાં વાયુની ગુણવત્તા (એર ક્વોલિટી ઈન્ડેક્સ) કથળી રહી છે. ખાસ કરીને ધુમ્મસિયા વાતાવરણ સાથે વાયુની ગુણવત્તા ખરાબ થઈ રહી છે. આ સાથે ઠંડી અચાનક ગાયબ થઈને ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે, જેને કારણે સ્વાસ્થ્યની તકલીફોમાં પણ વધારો થયો છે. મુંબઈમાં ગુરુવારે સવારે 182 એક્યુઆઈ નોંધાઈ હતી, જે આ વર્ષે નોંધાયેલી સૌથી ખરાબ ગુણવત્તામાંથી એક છે. આગામી થોડા દિવસમાં આ સ્થિતિ વધુ કથળવાની સંભાવના છે. આને કારણે સંવેદનશીલ સમૂહોમાં શરદી, ખાંસી, ગળું બેસી જવું, કફ જેવી ફરિયાદો વધી રહી છે.
દરમિયાન સમીર એપ અનુસાર મુંબઈમાં મુલુંડ ખાતે 286 એક્યુઆઈ, મઝગાવમાં 271, બોરીવલી પૂર્વમાં 263, નેવી નગરમાં 230, દેવનારમાં 221, ચકાલામાં 219, કાંદિવલીમાં 217, ચેમ્બુરમાં 198, બીકેસીમાં 163, કોલાબામાં 84 એક્યુઆઈ નોંધાઈ હતી. નોંધનીય છે કે એક્યુઆઈ 0થી 100 ઉત્તમ માનવામાં આવે છે, 100થી 200 મધ્યમ, 200થી 300 ખરાબ, 300થી 400 અત્યંત ખરાબ અને 400થી 500 અથવા વધુ તીવ્ર માનવામાં આવે છે. બુધવારે એક્યુઆઈ 198 નોંધાઈ હતી, જેમાં ગુરુવારે થોડો સુધારો જોવા મળ્યો, પરંતુ તે નજીવો છે.

વળી, એક બાજુ એક્યુઆઈ કથળી રહી છે ત્યારે બીજી બાજુ ઠંડી ગાયબ થઈને ગરમી શરૂ થઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મુંબઈએ જણાવ્યું કે મુંબઈની કથળતી એક્યુઆઈ ચિંતાનો વિષય છે. દરમિયાન ગુરુવાર કોલાબામાં લઘુતમ તાપમાન 23.9 ડિ.સે., જ્યારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન 22.0 ડિ.સે. નોંધાયું હતું, જે ગયા સપ્તાહની તુલનામાં વધુ ઉચ્ચ છે.
રાજ્યના અન્ય ભાગોમાં ઠંડું વાતાવરણ મુંબઈ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં ગયા સપ્તાહથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈને શિયાળાનો અનુભવ થવા લાગ્યો છે. રત્નાગિરિએ 65 ટકા ભેજ સાથે 21.5 ડિ.સે. લઘુતમ તાપમાન નોંધ્યું હતું. પુણેમાં હવામાં 80 ટકા ભેજ સાથે લઘુતમ તાપમાન 14.6 ડિ.સે. સુધી નીચે આવ્યું હતું. બીજી બાજુ દહાણુમાં 90 ટકા ભેજ સાથે 21.2 ડિ.સે. નીચું તાપમાન નોંધાયું હતું. મહાબળેશ્વર 14.1 ડિ.સે. લઘુતમ તાપમાન સાથે પ્રદેશમાં સૌથી ઠંડો પ્રદેશ બની રહ્યો છે. આથી ઠંડીનો આનંદ માણવા માટે પર્યટકોની સંખ્યા પણ વધવા લાગી છે. દરમિયાન આગામી દિવસમાં રાજ્યમાં ઠંડી ઓર વધશે, પરંતુ મુંબઈમાં ઠંડીનો ચમકારો ઓછો થઈને ગરમી મહેસૂસ થશે એવો અંદાજ હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.

For more details… Contact 9322529232 / 9324483455
