સાયબર છેતરપિંડીના એક ચોંકાવનારા કેસમાં મુલુન્ડના એક વયસ્ક દંપતીને ત્રણ દિવસ ડિજિટલ એરેસ્ટ હેઠળ રાખીને પોલીસના સ્વાંગમાં સાયબર ગઠિયાઓએ તેમની પાસેથી રૂા.૩૨.૮૦ લાખ ઉસેડી લીધા હોવાની ફરિયાદ પૂર્વ વિભાગ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
ફરિયાદ મુજબ મુલુન્ડ (વે)માં જયશાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા ફરિયાદી પ્રિયા ખટ્ટર (૭૨)ના પતિ વિજય ખટ્ટર સવારે એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો જેમાં કોલરે તે ક્રાઈમ બ્રાન્ચ કોલાબાનો પોલીસ અધિકારી સંદીપ રોય હોવાનું જણાવ્યું તથા વિજયના બેંક ખાતામાં રૂા.૨.૫૦ કરોડના મની લોન્ડરિંગનો વ્યવહાર થયો હોવાનું તેમજ તેમાંથી ૧૦ ટકા રકમ રૂા. ૨૫ લાખ તેમના ખાતામાં જમા થયા હોવાનું જણાવીને તેમની ધરપકડ કરવાની ધમકી આપી હતી. જોકે દંપતીએ આવું કોઈ ટ્રાન્ઝેક્શન તેમણે ન કર્યું હોવાનું જણાવતાં બનાવટી અધિકારી સંદીપે તેમના ઘર વિશે તમામ માહિતી જાણી લીધી જેમાં દંપતી એકલું રહેતું હોવાનું તથા તેમની પુત્રીઓ વિદેશમાં રહેતી હોવાનું વિજયે જણાવી દીધું હતું.

ત્યારબાદ સંદીપે પોલીસનો કોલ આવ્યો હોવાનું કોઈને નહીં જણાવવાની સૂચના આપીને પછી કોલ કરશે એવું કહ્યું હતું. ગઠિયાઓએ બીજા દિવસે સવારે નવ કલાકે પ્રિયા તથા વિજયના ફોન પર વોટ્સએપ વિડીયો કોલ કર્યો હતો જેમાં સંદીપે પોલીસ ગણવેશમાં સીનિયર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીની દીપક રોય હોવાનું જણાવ્યું હતું અને તેઓ સીનિયર સિટીઝન હોવાનું જણાવીને તેમની ધરપકડ નહીં કરે પરંતુ તેમને ત્રણ દિવસ માટે હોમ એરેસ્ટ કરશે તેવું જણાવ્યું હતું અને ત્યારબાદ દંપતીના બેંક ખાતામાં કેટલી રકમ તથા કેટલું સોનું છે તે અંગે જાણકારી મેળવી. દંપતીના ખાતામાં રૂા.૩૭ લાખ હતા એવું તેમણે જણાવતાં તેમાંથી ગઠિયાઓએ રૂા.૩૨.૮૦ લાખ તેમની પાસે જમા કરાવવા તેમજ લોકરના દાગીના મુથૂટ ફાયનાન્સમાં ગિરવે મૂકીને તેમાંથી મળનારી રકમ તેમને મોકલવા જણાવ્યું હતું.
13 નવેમ્બરના ગઠિયાઓએ ફરી પૈસાની માંગણી કરતા પ્રિયાએ રૂા. ૩૨.૮૦ લાખ ગઠિયાઓને ટ્રાન્સફર કરી દીધા હતા. ૧૪ નવેમ્બરના ફરીથી સંદીપ અને દીપકે ફરીથી વિડીયો કોલ કરીને સોનાના દાગીના ગિરવે મૂકીને પૈસા આપવા જણાવ્યું. દંપતીએ સંદીપ અને દીપકના જણાવ્યા મુજબ દાગીના ગિરવે મૂકીને રૂા.૪૦ લાખ પોતાના અકાઉન્ટમાં જમા કરાવ્યા પરંતુ તેમના સદ્દનસીબે મુંબઈમાં રહેતો તેમનો જમાઈ તે દિવસે તેમના ઘરે આવ્યો ત્યારે દંપતીએ તમામ ઘટના તેમને જણાવતાં જમાઈએ સાયબર ફ્રોડ હોવાનું જણાવતાં પ્રિયાએ તાબડતોબ સાયબર હેલ્પલાઈન ક્રમાંક ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી.

For more details… Contact 9322529232 / 9324483455
