બોરિવલીમાં ત્રણ વર્ષ પહેલા એક ખાનગી કંપનીમાંથી રાજીનામું આપનાર ભૂતપૂર્વ સિનિયર એકાઉન્ટ્સ ઓફિસરે કંપનીના બેંક લોગિન ઓળખપત્રોનો દૂરુપયોગ કરીને રુ. ૮.૬૯ કરોડની ઉચાપત કરી હોવાનો આરોપ છે. ભૂતપૂર્વ સિનિયર એકાઉન્ટ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનો નોંધાયા બાદ છેલ્લા દોઢ મહિનાથી ફરાર આરોપીની આખરે સમતાનગર પોલીસે ધરપકડ કરી હતી.
આ કેસમાં ૩૭ વર્ષીય જયપ્રકાશ સોડાણીની ધરપકડ કરવામાં આવી હતી. આ જ કેસમાં તેની પત્ની કવિતા મહેશ્વરી અને અન્ય ઘણા બેંક ખાતાધારકોને સહ- આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યા છે. હાલ તમામ ફરાર છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદી વિપિન વર્ખાવત જે બોરિવલીના માગાથાણે વિસ્તારમાં તેની પત્ની અને પુત્રી સાથે રહે છે. છેલ્લા ૧૩ વર્ષથી એક ખાનગી લિમિટેડ કંપનીમાં એકાઉન્ટ્સ બેચ હેડ તરીકે કામ કરતો હતો કંપની તેનું મુખ્ય કાર્યાલય નરીમન પોઈન્ટ ખાતે ધરાવે છે.

વિગત મુજબ, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૯ અને ૨૫ મે, ૨૦૨૨ની વચ્ચે જયપ્રકાશ સોડાણી કંપનીના એકાઉન્ટ્સ વિભાગમાં સિનિયર એકાઉન્ટ્સ ઓફિસર તરીકે કાર્યરત હતા. એક વિશ્વસનીય કર્મચારી હોવાને કારણે, તેમને એકાઉન્ટ્સ વિભાગની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી અને તેની પાસે કંપનીના બેંક લોગિન આઈડી, યુઝર આઈડી અને પાસવર્ડની એક્સેસ પણ હતી. જો કે, સોડાણીએ ૨૫ મે, ૨૦૨૨ ના રોજ કંપનીમાંથી રાજીનામુ આપ્યું હતું. આ બાદ કંપનીની એક બેઠકમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘટતા નફા અને ભારે નાણાંકીય નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
જેથી કંપનીનું સંપૂર્ણ ઓડિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેની જવાબદારી વિપિનને સોંપવામાં આવી હતી. ઓડિટ દરમિયાન બિલ અને બેંક રેકોર્ડની તપાસ કરતી વખતે વિપિનને કંપનીના બેંક ખાતામાંથી કરોડોના ઓનલાઈન વ્યવહારો જોવા મળ્યા હતા. આ બાદ બેંક સ્ટેટમેન્ટની વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે વિવિધ કંપનીઓના નામે એક જ ખાતામાંથી મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ ખાતાઓની વિગતો મેળવવા પર, એવું બહાર આવ્યું હતું કે ભૂતપૂર્વ એકાઉન્ટન્ટ જયપ્રકાશ સોડાણીએ પોતાના અને તેની પત્ની કવિતા તથા અન્ય વ્યક્તિઓના ખાતામાં આ તમામ પૈસા ટ્રાન્સફર કર્યા હતા. ૧ ફેબુ્રઆરી ૨૦૨૩ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ની વચ્ચે તેણે કથિત રીતે કુલ રુ. ૮.૬૯ કરોડ વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે ગેરરીતિ કરેલી રકમનો એક ભાગ રાજસ્થાનમાં એક મિલકત ખરીદવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. જેના માટે રુ. ૧.૩૧ કરોડની ચૂકવણી કરવામાં આવી હતી. પાછળથી આ મિલકત કંપનીના નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી. રાજીનામું આપ્યા બાદ પણ સોડાણીએ લોગિન આઈડી અને પાસવર્ડનો દુરુપયોગ કરીને કંપનીના બેંક ખાતામાંથી ઓનલાઈન વ્યવહારો કરવાનું ચાલુ રાખ્યું હતું.
સોડાણીની ધરપકડ બાદ પૂછપરછ કરતા તેણે દુરુપયોગની કબૂલાત કરી હતી. પોલીસે જય પ્રકાશ સોડાણી, તેની પત્ની અને અન્ય લોકો સામે રુ. ૮.૬૯ કરોડની ગેરરીતિ અને છેતરપિંડી માટે ગુનો નોંધ્યો હતો. જો કે, કેસ નોંધાયા બાદ જયપ્રકાશ ફરાર થઈ ગયો હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ બાદ છ અઠવાડિયાના સર્ચ ઓપરેશન બાદ આખરે જયપ્રકાશની સમતાનગર પોલીસે ધરપકડ કરી હતી. તો અન્ય લોકો હાલ ફરાર હોવાથી તેની શોધખોળ ચાલુ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
