રવિવારે સવારે 6.00 વાગ્યા સુધી મુંબઈને પાણી પુરવઠો કરતાં સાત જળાશયમાં 82.07 ટકા પાણીનો જથ્થો જમા થયો છે. ગયા વર્ષે તે 40.96 ટકા હતો, જ્યારે 2023માં તે 39.61 ટકા હતો. આગામી સમયમાં સારો વરસાદ પડતાં જળાશયો 100 ટકા છલકાઈને આખા વર્ષનું પાણીનું ટેન્શન દૂર થાય એવી શક્યતા છે.
મુંબઈને આખું વર્ષ પાણીકાપ વિના પાણી મળતું રહે તે માટે સાત જળાશયમાં 1,44,736.3 કરોડ લિટર પાણી હોવું જોઈએ. હાલમાં તેમાં 1,18,782.9 કરોડ લિટર છે. ગયા વર્ષે આ જ દિવસ સુધી તેમાં 59,286.5 કરોડ લિટર પાણી હતું, જ્યારે 2023માં 57,333.8 કરોડ કરોડ લિટર પાણી હતું.
જળાશયોમાં પણ પૂરતું પાણી છે. અપ્પર વૈતરણાની છલકાવાની સપાટી 603.51 મીટર છે, તેમાં હાલ 601.82 મીટર પાણી છે. મોડક સાગરની છલકાવાની સપાટી 163.15 મીટર છે, જેમાં હાલ 163 મીટર પાણી છે. એટલે કે, આ જળાશય છલકાઈ ગયું છે.

તાનસાની છલકાવાની સપાટી 128.63 મીટર છે, જેમાં હાલ 127.98 મીટર પાણી છે. મિડલ વૈતરણાની છલકાવાની સપાટી 285.00 મીટર છે, જેમાં હાલ 282.95 મીટર પાણી છે.
ભાતસાની છલકાવાની સપાટી 142.07 મીટર છે, જેમાં હાલ 135.80 મીટર પાણી છે. વિહારની છલકાવાની સપાટી 80.12 મીટર છે, જેમાં હાલ 77.52 મીટર પાણી છે, જ્યારે તુલસીની છલકાવાની સપાટી 139.17 મીટર હોઈ તેમાં હાલ 136.12 મીટર પાણી છે.
હજુ તો જૂનનો અડધો મહિનો, ઓગસ્ટ, સપ્ટેમ્બર બાકી છે. તે દરમિયાન જળાશયો એકદમ છલોછલ થઈ જવાની ધારણા છે, જેને કારણે આગામી ચોમાસા સુધી મુંબઈગરાને પાણીકાપનો સામનો નહીં કરવો પડશે.
મુંબઈને તાનસામાંથી રોજ 45.5 કરોડ લિટર, મોડકસાગર (વૈતરણા)માંથી 45.5 કરોડ લિટર, મધ્ય વૈતરણામાંથી 45.5 કરોડ લિટર, ઉર્ધ્વ વૈતરણામાંથી 64.0 કરોડ લિટર, ભાતસામાંથી 202.0 કરોડ લિટર પાણી પુરવઠો કરવામાં આવે છે.

આ જળસ્રોતો મુંબઈ શહેરથી આશરે 120 કિમી અને તેથી વધુ દૂર અંતરે છે. મુંબઈ શહેરની હદમાં ફક્ત બે નાનાં જળાશય વિહારમાંથી રોજ 9.0 કરોડ લિટર અને તુલસીમાંથી 1.8 કરોડ લિટર પાણી પુરવઠો કરવામાં આવે છે. મુંબઈને રોજ 385.0 કરોડ લિટર પાણી પુરવઠો આ સર્વ જળાશયોમાંથી કરવામાં આવે છે.
For more details… Contact 9322529232 / 9324483455
