
મુંબઈમાં પાણી ભરાતા હોય એવા 386 ઠેકાણા મળ્યા છે. ગયા વર્ષે ત્યાં પાણીનો નિકાલ કરવા 482 પમ્પની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વર્ષે 417 પમ્પની વ્યવસ્થા કરવામાં આવશે. આ વ્યવસ્થા સક્ષમ કરવા પર મહાપાલિકાએ ભાર મૂક્યો છે.
મુંબઈમાં ચોમાસાના ટાંકણે નાળાસફાઈના કામને ઝડપી કરવામાં આવ્યું છે. આ વખતે કમોસમી વરસાદના કારણે અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. તેથી નાળાસફાઈના મુદ્દે મહાપાલિકાની ટીકા થઈ હતી. મહાપાલિકાએ આ વર્ષે પાણી ભરાતા હોય એવા 386 ઠેકાણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પાણી કાઢવા માટે 417 પમ્પ લગાડવામાં આવશે. દરમિયાન પશ્ચિમ ઉપનગરોમાં નાળાસફાઈના કામનું અતિરિક્ત મહાપાલિકા આયુક્ત અભિજિત બાંગરે નિરીક્ષણ કર્યું હતું.

પમ્પની યંત્રણા અને વૈકલ્પિક યંત્રણા પૂર્ણ ક્ષમતાથી ચાલુ રાખવા એન્જિનિયરોએ કામમાં નવીનતા લાવવાની સૂચના તેમણે આપી હતી. ગાર કાઢવો અને લઈ જવાના કામમાં કોઈ ગરબડ ન થાય એ માટે એન્જિનિયરોએ ધ્યાન આપવું. કામમાં ત્રુટિ જણાશે તો એના માટે એન્જિનિયરને જવાબદાર ગણવાનો ઈશારો તેમણે આપ્યો હતો. બાંગરે પશ્ચિમ ઉપનગરોમાં વાકોલા નદી, એસએનડીટી નાળુ, ઓશિવરા નદી, પિરામલ નાળુ, રામચંદ્ર નાળુ વગેરેનું નિરીક્ષણ કર્યું હતું. પમ્પ બંધ પડે તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ડીઝલ જનરેટર મશીન તરત ઉપલબ્ધ કરવા. તેમ જ મોબાઈલ પમ્પ પણ તૈયાર રાખવા. વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વાહન આધારિત એક ડીઝલ જનરેટર મશીન પણ ઉપલબ્ધ કરવા બાબતે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ વર્ષે વાકોલા નદી ખાતે નીચાણવાળા ભાગમાં બોક્સ ડ્રેન તૈયાર કરવામાં આવશે.
એસએનડીટી નાળા ભાગમાં લોખંડની જાળી લગાડવાનો ફાયદો થયો છે. આ જાળીના લીધે ઘરગથ્થુ કચરો નાળામાં નાખવાનું પ્રમાણ 90 ટકા ઓછું થયું છે એવો દાવો મહાપાલિકાએ કર્યો છે. એ જ પ્રમાણે ગીચ વસતિવાળા ઠેકાણે નાળાની ફરતે લોખંડની જાળી લગાડીને નાળામાં ભરાયેલો ઘનકચરો, કાટમાળનો તરત નિકાલ કરવાની સૂચના યંત્રણાને આપવામાં આવી છે. ગયા વર્ષે આ ભાગમાં પાણી ભરાતા હોય એવા 24 ઠેકાણા હતા. જો કે હવે પાઈપલાઈનની જાળનો વ્યાપ વધારવાથી પાણી ભરાતા 13 ઠેકાણા ઓછા કરવામાં વોર્ડને સફળતા મળી હોવાનું મહાપાલિકાએ જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
