બોરીવલીના જ્વેલર્સના મોબાઈલ નંબર પર મેસેજ મોકલાવી અને વૉટ્સઍપ કૉલ કરીને લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગને નામે 30 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. રૂપિયા ન આપે તો બાબા સિદ્દીકીની હત્યાની જેમ ગોળીએ દેવાની ધમકી આરોપીએ આપી હતી. બોરીવલીના એલ. ટી. રોડ પર આવેલા જ્વેલરીના શોરૂમના મૅનેજરે નોંધાવેલી ફરિયાદને આધારે બોરીવલી પોલીસે રવિવારે અજાણ્યા શખસ વિરુદ્ધ એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરિયાદમાં જણાવાયું હતું કે શોરૂમના મોબાઈલ નંબર પર સૌપ્રથમ 18 ફેબ્રુઆરીએ ઈન્ટરનૅશનલ નંબર પરથી મેસેજ આવ્યો હતો, જેમાં 30 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. 24 કલાકમાં બિશ્ર્નોઈ ગૅન્ગને આ રકમ ચૂકવવામાં ન આવે તો બાબા સિદ્દીકીની જેમ ગોળીએ દેવાની ધમકી મેસેજમાં અપાઈ હતી. એ સિવાય પરિવારને પણ જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી.

ફરિયાદ અનુસાર બીજે દિવસે ફરી ઈન્ટરનૅશનલ નંબર પરથી વૉટ્સઍપ કૉલ આવ્યો હતો. રૂપિયા પહોંચતા ન કરવા બદલ પૂછીને હત્યા કરવાની ધમકી આપી આરોપીએ કૉલ કટ કર્યો હતો. ત્યાર બાદ શનિવારે આરોપીએ ફરી એક મેસેજ મોકલાવી નાણાંની માગણી કરી હતી. મેસેજ દ્વારા જ શોરૂમના કર્મચારીએ રકમ ઓછી કરવાની માગણી કરી હતી. 10 લાખ અને પછી ચાર લાખ રૂપિયા સ્વીકારવાની તૈયારી આરોપીએ દાખવી હતી.
શરૂઆતમાં મેસેજ અને વૉટ્સઍપ કૉલને ગંભીરતાથી ન લીધા બાદ ફરિયાદીએ આખરે શોરૂમના માલિક સાથે ચર્ચા કરી બોરીવલી પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
