
મુંબઈમાં રવિવારથી વરસાદે ફરી કમબેક કર્યું હતું. સોમવારે તેને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં, જેને કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો. આવા સંજોગોમાં નાગરિકોને મદદરૂપ થવા માટે મુંબઈ પોલીસ દ્વારા હેલ્પલાઈન નંબરો પણ જારી કરાયા હતા.
મુંબઈ પોલીસે સોમવારે ત્રણ હેલ્પલાઈન નંબર 100, 112, 103 જારી કરાયા હતા. જો કોઈ મુશ્કેલી હોય અથવા કોઈ મુશ્કેલીમાં હોય તો આ નંબરો પર તુરંત જાણ કરવા માટે અનુરોધ કરાયો હતો. આ સાથે પોલીસે સમુદ્ર બહુ તોફાની બન્યો હોવાથી સમુદ્રકિનારે અને ચોપાટીઓ પર આ સમયે જવાનું ટાળવા અનુરોધ કર્યો હતો.

ઉપરાંત નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા પણ જણાવ્યું હતું.ખાસ કરીને ઠેર ઠેર પાણી ભરાયાં હોવાથી લોકોને શક્ય હોય ત્યાં સુધી વાહનો લઈને નહીં નીકળવા માટે પણ અનુરોધ કર્યો હતો. નોંધનીય છે કે મુંબઈમાં રવિવારે રાતથી સતત વરસાદને લીધે ટ્રાફિક, ટ્રેન, મેટ્રો, વિમાન વ્યવહારો પર પણ અસર પડી હતી. વળી, હવામાન વિભાગે એલર્ટ આપ્યું હોવાથી મહાપાલિકા સાથે મુંબઈ પોલીસ પણ મદદ માટે ઊતરી હતી.
અનેક નદીએ જોખમની સપાટી વટાવી: દરમિયાન એકધાર્યા વરસાદને કારણે રાજ્યમાં અનેક નદીઓએ જોખમની સપાટી વટાવી દીધી હતી. આથી આસપાસના લોકોને અન્યત્ર સ્થળાંતર કરવા માટે પ્રશાસન દ્વારા અનુરોધ કરાયો હતો. પુણેમાં જગબુડી સહિતની નદીઓએ જોખમની સપાટી વટાવી હતી.

