મલાડમાં બે વિક્રેતાઓએ ફળમાં ઉંદર મારવાની દવા લગાવીને તેનું વેચાણ કરી રહ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેનાથી લોકો માટે ગંભીર સ્વાસ્થ્યનું જોખમ ઊભું થયું હતું. આ મામલે ફરિયાદ મળતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા દુકાન સીલ કરી દીધી હતી અને બે આરોપીઓની ધરપકડ કરી હતી.
વિગત મુજબ, આ કેસમાં મનોજ કેસરવાની અને બિપિન કેસરવાનીની ધરપકડ કરવામાં આવી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
સ્થાનિક રહેવાસી કુણાલ સાલુંકેએ પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવામાં આવ્યું હતું કે બે વિક્રેતાઓ ફળને ઉંદરોથી બચાવવાના નામે ફળ પર આ ઝેરી પદાર્થ છાંટી રહ્યા છે.

આ સમ્રગ ઘટના મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવી હતી અને આ વીડિયોને પુરાવા તરીકે પોલીસને સુપરત કરવામાં આવ્યો હતો. આ ફરિયાદ બાદ મલાડ પોલીસ સ્ટેશનની ટીમે ફરિયાદને ગંભીરતાથી લેતા ફળ વિક્રેતાની દુકાન પર જઈને તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ ઉંદરોથી બચાવવા માટે ફળોમાં ઉંદર મારવાની દવા લગાવવાની વાત સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે તેમણે ફળો ક્યાંય સાચવવા મૂક્યાં હોય તે દરમિયાન ઉંદર ખાઈ જાય તો તેમને આર્થિક નુકસાન થાય છે. આથી ઉંદરો ફળ ખાઈ ન જાય તે માટે તેઓ આ દવા લગાવી રહ્યા હતા. જો કે, પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આવું કૃત્ય માત્ર ગેરકાયદે જ નથી. પરંતુ જાહેર સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી પણ છે.આ કેસમાં ઝડપાયેલા બંને આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની ૨૦૨૩ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસે બંને વિક્રેતાઓની દુકાન સીલી કરી દીધી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
બાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી દુકાન તોડી પાડી હોવાનું તથા ઘટનાસ્થળે ફોરેન્સિક તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ મલાડ સહિત અન્ય વિસ્તારોમાં ફળોના વેપારીઓને ત્યાં ચેકિંગ પણ શરુ કરવામાં આવ્યું હતું.

જનાક્રોશઃ લોકોને જે દેખાય છે તે મ્યુનિ. કોર્પો.ને કેમ દેખાતું નથી
ફેરિયાઓ ફળ પર ઉંદર મારવાની દવા લગાવી રહ્યા હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો. લોકોએ કોમેન્ટ કરી હતી કે આપણે ફળોને સ્વાસ્થય વર્ધક માનીને ખાઈએ છીએ પરંતુ આવી દવા લગાડેલાં ફળ ખાવાથી પોઇઝનિંગ, પેટમાં દુખાવો, ઉલ્ટી તથા લીવર પર માઠી અસર સહિતની તકલીફો થઈ શકે છે. કેટલાક લોકોએ સવાલ કર્યો હતો કે નાગરિકો આવા વિડીયો કેપ્ચર કરી રહ્યા છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય ટીમને આવા ફેરિયા કેમ દેખાતા નથી. દરેક વિસ્તારના ફળના વેપારીઓને ત્યાં રેન્ડમ ચેકિંગ થવું જોઈએ. કેટલાય લોકોએ ફળને કૃત્રિમ રીતે પકાવવા માટે વપરાતાં કેમિકલ્સની માઠી અસરોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
