મુલુન્ડ કોલોનીમાં રહેતા અને શિક્ષિકા તરીકે કાર્યરત મુસ્કાન ચાવલાએ મુલુન્ડની નિત્યાનંદ હોટલમાં મેનેજર તરીકે કામ કરતા સુકેશ હેગડે અને તેની પત્ની ચૈત્રા હેગડે વિરૂદ્ધ રૂા. ૧૬ લાખની છેતરપિંડીનો કેસ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો છે. ઘટનાની વિગત મુજબ મુસ્કાન અને તેમના પતિ મનોજ ચાવલાની ૨૦૨૧માં મુલુન્ડ (વે)માં જે.એસ.ડી. રોડ પર આવેલી નિત્યાનંદ હોટલના મેનેજર અને વાગલે એસ્ટેટમાં રહેતા સુકેશ હેગડે સાથે ઓળખાણ થઈ હતી અને ત્યારબાદ બંનેનું અવારનવાર મળવાનું થતું હતું.

આ દરમ્યાન હેગડેએ ચાવલાને હોટલ વ્યવસાયમાં પૈસાનું રોકાણ કરવાથી વધુ નફો મળશે એવું કહીને ચાવલાને રોકાણ કરવા માટે લલચાવ્યા. જેમાં તેમને પ્રથમ દોઢ 2 લાખ રૂપિયાના રોકાણ પર રૂા.૫૦૦૦ નફો મળતા હેગડે દંપતી પર તેમને વિશ્વાસ બેઠો અને ત્યારબાદ હેગડે દંપતીએ મુસ્કાન અને મનોજને મુલુન્ડની નિત્યાનંદ હોટલમાં બોલાવીને તેમાં તેનો શૅર હોવાનું પણ જણાવ્યું હતું તથા તેઓ થાણેમાં નવી હોટલ ચાલુ કરવાના હોવાનું જણાવ્યું હતું અને તેમને નવી હોટલના વ્યવસાયમાં રોકાણ કરીને વધુ નફો રળવાની લાલચ આપી હતી જેને પગલે ચાવલા દંપતીએ રૂા.૧૬ લાખ રોકડમાં આપીને રોકાણ કર્યું હતું.

જોકે રોકડની સામે હેગડેએ તેમને રૂા. ૧૬ લાખ તેમજ નફાના પૈસા માટે એક બ્લેન્ક ચેક આપ્યો હતો. એપ્રિલ ૨૦૨૩માં ચાવલા દંપતીએ સુકેશ પાસે પૈસા પરત માંગ્યા ત્યારે તેણે એક પછી એક બહાના હેઠળ પૈસા આપવાનું ટાળ્યું. માર્ચ ૨૦૨૪માં સુકેશે પૈસા પરત કરવાનું પ્રોમિસ કર્યું અને ત્યારબાદ ચાવલાનો મોબાઈલ નંબર જ બ્લોક કરી દીધો જેને પગલે તેઓ તાબડતોબ નિત્યાનંદ હોટલમાં ગયા તો સુકેશે ત્યાંથી કામ છોડી દીધું હોવાની માહિતી મળી. ત્યારબાદ ચાવલા તેના થાણેમાં આવેલા ઘરે ગયા તો ત્યાંથી પણ તેઓ પલાયન થઈ ગયા હતા તેમજ તેમને જાણવા મળ્યું કે નિત્યાનંદ હોટલમાં હેગડેનું કોઈ રોકાણ નહોતું. જેથી ચાવલા દંપતીને સુકેશ અને ચૈત્રા હેગડેના ઠેકાણા અંગે કોઈ માહિતી રહી ન હોવાથી મુસ્કાને સુકેશ અને ચૈત્રા હેગડે વિરૂદ્ધ રૂા.૧૬ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
