વિવિધ રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓ પાસેથી ખંડણી વસૂલ કરવા સંબંધમાં છેલ્લા પાંચ મહિનામાં મુંબઈ અને થાણેમાંથી સિનિયર પીઆઈ સહિત 13 પોલીસ કર્મચારીઓને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
દેખીત રીતે જ મુંબઈમાં અને આસપાસ રેલવે સ્ટેશનો પર એક મોટું આયોજનબદ્ધ ખંડણીનું રેકેટ ચાલી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓ ખાસ કરીને મૂલ્યવાન ચીજો અથવા રોકડ લઈને જતા લાંબા અંતરના ટ્રેન પ્રવાસીઓને લક્ષ્ય બનાવતા હતા. પ્રવાસીઓ મોટે ભાગે ફરિયાદ કરવાનું ટાળતા હતા, જેને કારણે આ કૌભાંડીઓનો આત્મવિશ્વાસ વધી ગયો હતો. ખાસ કરીને મુંબઈ સેન્ટ્રલ, દાદર, કુર્લા, બાંદરા ટર્મિનસ, બોરીવલી, થાણે, કલ્યાણ અને પનવેલ જેવાં સ્ટેશનો ખાતે ખંડણી વસૂલીની ઘટનાઓ બની હતી. તેઓ રોકડ અથવા દાગીના જેવી મૂલ્યવાન ચીજો લઈને જતા પ્રવાસીઓની લગેજ ચેકિંગ પોઈન્ટ્સ પર તપાસ કરતા હતા.

જો રોકડ અથવા દાગીના મળી આવે તો વરિષ્ઠ અધિકારીને મળવું પડશે એમ કહીને પ્લેટફોર્મ પર જ સીસીટીવી નહીં હોય તેવા જીઆરપી સંકુલમાં લઈ જતા હતા. પ્રવાસીને પછી રોકડ અથવા દાગીના તેના જ છે એવું સિદ્ધ કરવા માટે કહેવામાં આવતું હતું. આ પછી પ્રવાસીને તેમની ચીજો જપ્ત કરાશે અને કાનૂની પગલાં લેવાશે એવી ધમકી અપાતી હતી, જેને કારણે પ્રવાસી ભયભીત થઈ જતા. અમુક કિસ્સામાં પ્રવાસીની મારઝૂડ પણ કરાતી હતી. આથી તે પોલીસોને પૈસા ચૂકવીને છૂટા પડ્યા સિવાય આવા પ્રવાસીઓ પાસે કોઈ વિકલ્પ રહેતો નહોતો.
ગયા મહિને રાજસ્થાન સ્થિત એક શખસ પોતાની પુત્રી સાથે પ્રવાસે નીકળ્યો હતો. મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર આવતાં તેની બેગ તપાસવામાં આવતી હતી. તેમાં રૂ. 31,000ની રોકડ હતી. તેને પણ ઉક્ત રીતે ધમકાવીને રૂ. 30,000 આપીને તેનો છોડી દેવાયો હતો. આ શખસ રાજસ્થાન પહોંચ્યો તે પછી ત્યાંની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. રાજસ્થાન પોલીસે અજ્ઞાત પોલીસો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરીને કેસ મુંબઈ પોલીસને સોંપી દીધો હતો, જેની તપાસ પછી ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા હતા, જેઓ હવે ફરાર છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

જીઆરપી કમિશનર રાકેશ કલાસાગરે જણાવ્યું છે કે છેલ્લા પાંચ મહિનામાં 13 રેલવે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મેં મેમાં આ પદ સંભાળ્યું હતું અને તે પછી સિનિયર ઈન્સ્પેક્ટર સહિત સાત કર્મચારીઓ સામે પગલાં લીધાં હતાં. આવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા કર્મચારીઓ સામે કઠોર પગલાં લેવાશે, એમ તેમણે ચેતવણી આપી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
