મુંબ્રા રેલવે સ્ટેશન નજીકનો તીવ્ર વળાંક જોખમકારક હોવાથી આ ઠેકાણે અકસ્માત થવાની શક્યતા રેલવે અધિકારીઓને હતી. તેથી મધ્ય રેલવેના એન્જિનિયરીંગ વિભાગે વળાંકના ઠેકાણે દુર્ઘટનાના બે દિવસ પહેલાં નવી સ્પીડલિમિટ લાગુ કરી હતી.
જો કે હવાનું દબાણ, લોકલની સ્પીડ, પ્રવાસીઓનું ખોરવાયેલું સંતુલન વગેરે કેટલીક સેકન્ડના ઘટનાક્રમથી મુંબ્રાની દુર્ઘટના બની હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સંદર્ભનો અંતિમ અહેવાલ એક અઠવાડિયામાં રજૂ કરવામાં આવશે. મુંબ્રા દુર્ઘટના 9 જૂનના સવારના સમયે બની. આ ઘટનામાં દોડતી લોકલમાંથી પડીને પાંચ પ્રવાસીઓના મૃત્યુ થયા. એ પછી દુર્ઘટનાની તપાસ કરવા વરિષ્ઠ અધિકારીઓની સમિતિ સ્થાપવામાં આવી. પ્રાથમિક તપાસ દરમિયાન આ ઘટના ગણતરીની સેકન્ડોમાં જ બન્યાનું જણાયું છે. તપાસ કરતા સમયે શરૂઆતમાં સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યું હતું.

તપાસ દરમિયાન મળેલી પ્રાથમિક માહિતી અનુસાર ઘટનાના સમયે બંને લોકલના દરવાજા પર ઊભેલા પ્રવાસીઓ વચ્ચે ફક્ત 0.74 મીટર અંતર હતું. સીએસએમટીથી કર્જત જતી લોકલમાંથી એક પ્રવાસીએ હાથ બહાર કાઢ્યો હતો. એ પછી એનું સંતુલન ખોરવાયું અને એ લોકલમાંથી નીચે પડ્યો. એની સાથે વધુ એક પ્રવાસી પણ હતો. પહેલા પ્રવાસી પાસે કાળા રંગની બેગ હતી. આ બેગના ટુકડા લોકલમાં અટવાયેલા દેખાયા હતા. દરમિયાન મુંબ્રા દુર્ઘટના બાબતે હજી અંતિમ અહેવાલ આવ્યો નથી એમ જનસંપર્ક અધિકારી ડો. સ્વપ્નિલ નિલાએ જણાવ્યું હતું.
એન્જિનિયરિંગ ડિપાર્ટમેંટને મુંબ્રા ખાતે વળાંકના ઠેકાણે દુર્ઘટનાનો ડર હતો. તેથી તેમણે લોકલ કલાકના 75 કિલોમીટરની સ્પીડથી ચલાવવાની સૂચના સંબંધિત વિભાગને આપી હતી. આ નિર્ણયની અમલબજાવણી પણ થઈ હતી. પણ પવન અને સ્પીડના કારણે બંને પ્રવાસી પડ્યા હશે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ બાબતે ઘટનાક્રમ એક કરીને એનો નિષ્કર્ષ કાઢશું. એક અઠવાડિયામાં અંતિમ અહેવાલ રજૂ કરવામાં આવશે એવી માહિતી મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ આપી હતી.

For more details… Contact 9322529232 / 9324483455
