શરદ પવારે એનસીપીના પ્રમુખ તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરતાં મહારાષ્ટ્રના રાજકારણમાં અણધાર્યો ભૂકંપ આવી ગયો છે. અજિત પવાર એનસીપી છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે અને મુખ્ય પ્રધાન બનશે તેવી અટકળો ઘણા સમયથી ચાલતી હતી પરંતુ તેને બદલે પવાર જ પક્ષનો હોદ્દો છોડી રહ્યા હોવાની તદ્દન બિનઅપેક્ષિત જાહેરાતથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. પવારનાં આ પગલાંને કારણે માત્ર મહારાષ્ટ્ર જ નહિ પરંતુ દેશમાં પણ રાષ્ટ્રીય કક્ષાએ ૨૦૨૪ પહેલાં વિપક્ષી એકતાના પ્રયાસોને મોટો ફટકો પડી શકે છે. એકમાત્ર અજિત પવારને બાદ કરતાં તમામ નેતાઓ તથા કાર્યકરોએ પવારને આ નિર્ણય પાછો ખેંચવાની વિનંતી કરતાં આખરે તેમણે બે-ત્રણ દિવસમાં પોતે આખરી નિર્ણય લેશે એમ જણાવ્યું હતું.
મુંબઈના વાય. બી. ચ્વ્હાણ સેન્ટર ખાતે શરદ પવારની આત્મકથા ‘લોક માઝે સંગાતી’ નું વિમોચન યોજાયું હતું. આ વિમોચન સમારંભમાં બોલતાં જ પવારે અચાનક ધડાકો કર્યો હતો કે પોતે એનસીપી પ્રમુખ તરીકેના હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યા છે.
૮૨ વર્ષના પવારે જણાવ્યું હતું કે હું સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થતો નથી, માત્ર પક્ષનો હોદ્દો છોડી રહ્યો છું. મારી રાજ્યસભાની ટર્મને પૂરાં થવામાં હજુ ત્રણ વર્ષ બાકી છે તે પછી હું કોઈ નવી ચૂંટણી નહિ લડું. પવારે કહ્યું હતું કે ૧૯૬૦ની પહેલી મેથી હું સક્રિય રાજકારણમાં છું. હવે નિવૃત્તિ લેવાનો સમય પાકી ગયો છે. હવે યુવા પેઢી પક્ષને સંભાળે તે જરુરી છે. પક્ષના નવા નેતાને ચૂંટી કાઢવા માટે એક નવી કમિટી રચવાની ભલામણ પણ તેમણે કરી હતી.
પવારે કહ્યું હતું કે ૧૯૯૯માં મેં એનસીપીની રચના કરી ત્યારથી હું તેનો પ્રમુખ રહ્યો છું. મેં ૬૩ વર્ષની કારકિર્દી દરમિયાન પ્રદેશમાં અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક હોદ્દા સંભાળ્યા છે. હવે હું દેશના તથા મહારાષ્ટ્રના કેટલાક પાયાના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરીશ. શિક્ષણ, કૃષિ, સહકાર, રમતગમત જેવાં ઘણાં ક્ષેત્રોમાં મારે ખાસ ફોકસ કરવું છે. આ ઉપરાંત સહકારી મંડળીઓ તથા સાકરના કારખાનાઓ સહિત અન્ય સંસ્થાઓ સાથે પણ હું પ્રવૃત્ત રહીશ. હું જાહેર જીવન છોડતો નથી. જાહેર સમારંભોમાં હાજરી આપતો રહીશ અને લોકોને મળતો રહીશ એમ તેમણે કહ્યું હતું.
પવારના આ પ્રવચનથી જાણે બોમ્બ પડયો હોય તેમ એનસીપીના નેતાઓ ડઘાઈ ગયા હતા. બાદમાં સિનિયર નેતાઓ પવારને સ્ટેજ પર જ ઘેરી વળ્યા હતા અને તેમના પર આ નિર્ણય પાછો ખેંચવા દબાણ કર્યું હતું. સભાગૃહમાં ઉપસ્થિત કાર્યકરોઓ પણ પવારની તરફેણમાં જોરશોરથી નારા લગાવ્યા હતા.
પવારે કહ્યું હતું કે પ્રફુલ્લ પટેલ, સુનિલ તટકરે, રાજેશ ટોપે, જયદેવ ગાયકવાડ, છગન ભુજબળ તથા ધનંજય મુંડે જેવા નેેતાઓ એક કમિટી બનાવીને નવા પ્રમુખ અંગે નિર્ણય લઈ શકે છે.
પવાર સભાગૃહની બહાર નીકળ્યા ત્યારે તેમની કારની આડે કેટલાય કાર્યકરો સૂઈ ગયા હતા. મહામહેનતે એ બધાને ખસેડાયા હતા. બાદમાં સિલ્વર ઓકના પવારના નિવાસસ્થાને દિવસભર મીટિંગો ચાલુ રહી હતી. અજિત પવાર , પ્રફુલ્લ પટેલ, ધનંજય મુંડે, સુનિલ તટકરે, છગન ભુજબળ , જિતેન્દ્ર અવ્હાડ, વિદ્યા ચવ્હાણ સહિતના નેતાઓ સિલ્વર ઓક ખાતે પહોંચ્યા હતા અને તેમણે પવારને રાજીનામું નહિ આપવા સમજાવ્યા હતા. સૌએ જણાવ્યું હતું કે કાર્યકરો તમે જ પક્ષપ્રમુખ તરીકે ચાલુૂ રહો તેમ ઈચ્છે છે.
બાદમાં પવારે કહ્યું હતું કે પક્ષના કાર્યકરોની લાગણી જોતાં પોતે બે-ત્રણ દિવસ સુધી વિચારણા બાદ આખરી નિર્ણય લેશે. પવારે આવી ખાતરી આપી હોવાનું અજિત પવારે જાહેર કર્યું હતું. અજિત પવારે કહ્યું હતું કે તેમણે બે-ત્રણ દિવસ માગ્યા છે એટલે તેમને આપણે એટલો સમય આપી શકીએ છીએ.
રાજ્યના કેટલાક જિલ્લાઓના કાર્યકરોના રાજીનામાંનો પ્રવાહ શરુ થતાં અજિત પવારે આ સિલસિલો અટકાવવા પણ અપીલ કરી હતી.
પવારના આ નિર્ણયના દેશવ્યાપી પડઘા પડયા છે. રાજકીય વર્તુળોનું માનવું છે કે પવાર ખરેખર પક્ષના સુકાનીપદેથી વિદાય લે તો એનસીપી નબળી પડશે અને તેમાં ભાગલા પણ પડી શકે છે. આથી મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીનું પતન થશે અને સરવાળે આ ઘટનાક્રમની માઠી અસર ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલાંની વિપક્ષી એકતાના પ્રયાસ પર પણ પડશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w