એક્સપ્રેસ વે પર ખોપોલી-કુસગાંવ લેનનું ૬૫ ટકા કામ પૂરું
મુંબઈ અને પુણે એક્સપ્રેસ વે વચ્ચેના પ્રવાસનો સમય ૨૦થી ૨૫ મિનિટ ઓછો થાય એ માટે એમએસઆરડીસીએ ખોપોલી-કુસગાંવ દરમિયાન નવો રોડ બનાવવાનું કામ હાથ ધર્યું છે. આ કામ ૬૫ ટકા પૂરું થઇ ગયું હોઇ બાકીનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં કામ પૂરું થઇ જશે અને જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં નવો રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે, એવો દાવો એમએસઆરડીસી દ્વારા કરવામાં આવ્યો છે.
મુંબઈ-પુણે એક્સપ્રેસ વેને કારણે પ્રવાસ વેગવંતો બન્યો છે. જોકે એ સમયે આ માર્ગ પર અકસ્માતનું પ્રમાણ પણ વધી ગયું છે. એ પાર્શ્ર્વભૂમિ પર એમએસઆરડીસીએ અકસ્માતને રોકવા માટે તેમ જ પ્રવાસ વધુ વેગીલો બને એ માટે ખોપોલી-કુસગાંવ દરમિયાન નવો રસ્તો બાંધવાનો નિર્ણય લીધો હતો. આ ૧૯.૨૦ કિ.મી. લંબાઈનો નવા રસ્તા (મિસિંગ લેન)ના કામની શરૂઆત ફેબ્રુઆરી, ૨૦૧૯માં થઇ હતી.
આ રસ્તો ૨૦૨૨માં પૂરો થાય એવી અપેક્ષા હતી, પણ કોરોના અને અન્ય ટેક્નિકલ અડચણને કારણે કામ પૂરું થવામાં મોડું થયું હતું. હવે આ રસ્તો ૨૦૨૪માં વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે, એવું એમએસઆરડીસીના અધિકારીએ જણાવ્યું હતું. આ રસ્તાનું કામ ૬૫ ટકા પૂરું થઇ ગયું હોવાની માહિતી પણ અધિકારી આપી હતી. આ માર્ગ પર ૧.૭૫ કિમીની એક ટનલ અને બીજી ટનલ ૮.૯૨ કિમીની છે, એવી માહિતી અધિકારીએ આપી હતી.
મહત્ત્વની વાત તો એ છે કે એશિયાની સૌથી સાંકડી મનાતી આ ડુંગર અને તળાવ ઉપરથી પસાર થનારી ૮.૯૨ કિમી લંબાઈની આ ટનલ છે. લોનાવલા તળાવની નીચે અંદાજે ૫૦૦થી ૬૦૦ ફૂટ અંતર પર આ ટનલ છે. આ ટનલની પહોળાઈ ૨૩.૭૫ મીટર છે. વિશ્ર્વના અત્યાધુનિક ટેક્નોલોજીનો વપરાશ કરીને આ માર્ગનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ માર્ગ પર બે બ્રિજનો પણ સમાવેશ થાય છે. એક બ્રિજનું કામ ૮૫ ટકા પૂરું થઇ ગયું છે, જ્યારે બીજા બ્રિજનું કામ ૨૮ ટકા પૂરું થઇ ગયું હોવાની માહિતી અધિકારીએ આપી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz