શિવસેનાના કાર્યકર્તાઓને અયોધ્યા લઈ જતી સ્પેશિયલ ટ્રેનને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવાના કરી હતી. બે દિવસ પછી શ્રી શિંદે પણ અયોધ્યા જવાના છે. પરંપરાગત કેસરી શાલ ઓઢીને આવેલા શિંદે સાથે તેમનો પુત્ર અને કલ્યાણ લોકસભાના સંસદ સભ્ય શ્રીકાંત શિંદે, શિવસેનાના કલ્યાણ એકમના મુખ્ય પદાધિકારી ગોપાલ લાંડગે, સ્થાનિક નેતાઓ અને પક્ષના સેંકડો કાર્યકર્તાઓ હાજર હતા.
સાંજે ૪.૪૦ વાગ્યે થાણા સ્ટેશન પર જય શ્રી રામના નારા વચ્ચે મુખ્ય પ્રધાને ટ્રેનને લીલીઝંડી દેખાડી રવાના કરી હતી. ટ્રેનમાં એકદમ આગળ ‘ચલો અયોધ્યા’નું બોર્ડ મૂકવામાં આવ્યું હતું અને ટ્રેનને સુંદર રીતે શણગારવામાં આવી હતી. સ્પેશિયલ ટ્રેનમાં રવાના થયેલા શિવસૈનિકો રવિવારે શિંદેનું અયોધ્યામાં સ્વાગત કરશે. ટ્રેનને રવાના કરતી વખતે નારેબાજી કરતા શિવ સૈનિકોના હાથમાં ઘોષણાપત્ર હતા જેમાં શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેની તસવીરો હતી. કાર્યકર્તાઓના હાથમાં રહેલા ધ્વજમાં ભગવાન શ્રી રામની તસવીરો તેમજ પક્ષનું ચિહ્ન ધનુષ્ય બાણ પણ અંકિત કરેલા હતા. શિંદેએ ડબ્બામાં પ્રવેશી બધાનું અભિવાદન કર્યું હતું. મુખ્ય પ્રધાન આઠ એપ્રિલે લખનઉ જવા રવાના થશે અને બીજે દિવસે સરયૂ નદીના કાંઠે આરતી કરશે એવી માહિતી મીડિયાને આપવામાં આવી છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz