પિતા સચિનની જેમ છવાયો અર્જુન તેંડુલકર, છેલ્લી ઓવરમાં કરી કમાલ, ટીમને અપાવી શાનદાર જીત
ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સના નવા સ્ટારને પોતાની ઓળખ બનાવવાની તક મળી છે. દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે આઈપીએલની શરૂઆત કરી હતી. પ્રથમ મેચમાં પ્રભાવશાળી બોલિંગ કર્યા બાદ ટીમ મેનેજમેન્ટે બીજી મેચમાં પણ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અર્જુન તેંડુલકરે તેના પિતાની જેમ જ તેની ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત કરી હતી પરંતુ બંને વચ્ચે થોડો તફાવત છે. સચિન ટીમને બેટિંગમાં ઓપનિંગ કરતો હતો, જ્યારે અર્જુને મુંબઈ માટે પહેલી ઓવર ફેંકી હતી. કેપ્ટન રોહિત શર્માએ અર્જુનના ખભા પર સનરાઈઝર્સ હૈદરાબાદ સામે માત્ર પ્રથમ જ નહીં પણ છેલ્લી ઓવરની પણ મુશ્કેલ જવાબદારી નાખી.
સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પ્રથમ બેટિંગ કરતા મુંબઈની ટીમે 5 વિકેટે 192 રન બનાવ્યા હતા. કેમરૂન ગ્રીને શાનદાર અડધી સદી ફટકારીને ટીમને આ સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ટાર્ગેટનો પીછો કરતા માત્ર 172 રન જ બનાવી શકી હતી. મુંબઈએ 14 રને મેચ જીતીને વિજયની હેટ્રિક પૂરી કરી.
અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સ માટે મુખ્ય ફાસ્ટ બોલર તરીકે રમી રહ્યો છે. પ્રથમ બે મેચમાં તેણે ટીમ માટે પ્રથમ ઓવર નાંખી હતી. આ યુવા પર વિશ્વાસ વ્યક્ત કરતા કેપ્ટન રોહિત શર્માએ તેને છેલ્લી ઓવર કરવાની જવાબદારી પણ આપી હતી. અર્જુનને હૈદરાબાદ સામે 20 રનનો બચાવ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. તેણે માત્ર 4 રન જ આપ્યા હતા અને તેની IPL કારકિર્દીની પ્રથમ વિકેટ પણ લીધી હતી.
જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર પુત્ર અર્જુન તેંડુલકર વિશે એક ખાસ વાત લખી છે. તેણે લખ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સે ફરી એકવાર સારું પ્રદર્શન કર્યું. કેમેરોન ગ્રીને બોલ અને બેટ બંનેથી પ્રભાવિત કર્યા. ઈશાન કિશન અને તિલક વર્માએ પણ સારી બેટિંગ કરી હતી. IPL દિનપ્રતિદિન વધુ રોમાંચક બની રહી છે. અને આખરે તેંડુલકરને IPLની એક વિકેટ મળી.
અર્જુને મુંબઈ માટે અત્યાર સુધી માત્ર બે મેચમાં જ સારું પ્રદર્શન કર્યું છે. છેલ્લી ઓવરમાં મેચ બચાવવી અને ટીમને જીતવામાં મદદ કરવી એ મોટી સફળતા છે. આ સિઝનમાં આપણે છેલ્લી ઓવરમાં 30 રન બનાવતા જોયા છે, આવી સ્થિતિમાં માત્ર 4 રન આપીને ટીમ માટે વિકેટ મેળવવી એ સ્ટાર જેવું પ્રદર્શન છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w