વર્ષ ૨૦૨૧ માં, ભારે વરસાદને કારણે, વાશી નાકા, વિક્રોલી અને ભાંડુપના પહાડી વિસ્તારોમાં રહેતાં ૩૦ થી વધુ નાગરિકોના મોતનો મામલો સામે આવ્યો હતો.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી ચોમાસા પહેલાં ભૂસ્ખલનનો સામનો કરવા માટે વર્ષ ૨૦૨૩માં ૩૪૯ સ્થળોએ રિટેઈનિંગ વોલ બનાવવા જઈ રહી છે. આ કામનો કોન્ટ્રાક્ટ ટૂંક સમયમાં આપવામાં આવશે અને ચોમાસા પહેલાં આ કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જેના પર લગભગ ૧૨૫ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.
મુંબઈમાં ચોમાસા દરમિયાન ભૂસ્ખલનને કારણે પર્વતીય વિસ્તારોમાં રહેતા નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વર્ષ ૨૦૨૧ માં, ભારે વરસાદને કારણે, વાશી નાકા, વિક્રોલી અને ભાંડુપના પહાડી વિસ્તારોમાં રહેતાં ૩૦ થી વધુ નાગરિકોના મોતનો મામલો સામે આવ્યો હતો. જેના બાદ શહેરીજનોએ વહીવટીતંત્ર પાસે આ સ્થળોએ સુરક્ષા દીવાલ બનાવવાની માંગ કરી હતી. આના સંદર્ભમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સેફ્ટી વોલ બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં તાજેતરમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં મુંબઈના ૭૩૧ સ્થળોની એવા ઓળખ કરવામાં આવી છે, જ્યાં ભૂસ્ખલનનું જોખમ વધુ છે. તેમાંથી ૫૫૦ સ્થળોએ સુરક્ષા દિવાલનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે ૧૭૧ સ્થળોની કામગીરી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર છે.
આ અંગે ઉપનગરીય જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર ભોંસલેએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આદેશ પર ભૂસ્ખલન સ્થળનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૭૩૧ જગ્યાએ આ રિટેઈનીંગ વોલ બનાવવાની ભલામણ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં ૨૩૧ જગ્યાએ ૭૩ કરોડના ખર્ચે રિટેઈનિંગ વોલ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે વર્ષ ૨૦૨૨માં ૪૦ સ્થળોએ અને ૨૦૨૨-૨૦૨૩માં ૩૪૯ સ્થળોએ રિટેઈનિંગ વોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામ માટે ૧૨૫ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જેના માટે ટૂંક સમયમાં કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવશે.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલાં રિટેઈનિંગ વોલ બનાવવાના કારણે આગામી દિવસોમાં નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે તેવો અંદાજ છે. પરંતુ નાગરિકો માને છે કે દર વખતે ચોમાસા પહેલાં આ પદ્ધતિનો દાવો કરવામાં આવે છે અને ચોમાસા દરમિયાન સમગ્ર મુંબઈમાં ભૂસ્ખલન થતું જોવા મળે છે. મુંબઈ મહાનગરપાલિકાએ આ સંદર્ભમાં કેટલાક નક્કર પગલાં લેવા જોઈએ અને ડુંગરાળ વિસ્તારોમાં વસનાર નાગરિકોને અન્ય સ્થળોએ ખસેડવા જોઈએ.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w