મધ્ય અને પશ્ચિમ રેલવેના ખુદાબક્ષ મુસાફરોએ વર્ષ દરમ્યાન ચૂકવેલી દંડની રકમથી રેલવેને ૪૫૦ કરોડ રૂપિયાની આવક થઈ છે. આ આંકડો હજી વધી શકે છે. આ આંકડામાં લોકલ ટ્રેનોની સાથે બહારગામની એક્સપ્રેસ ટ્રેનોનો પણ સમાવેશ છે.
રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે ‘અમે મુસાફરોને યોગ્ય ટિકિટ લઈને પ્રવાસ કરવાની અપીલ કરીએ છીએ. એમ છતાં દંડની રકમનો આ આંકડો અમારી સિદ્ધિ છે. મધ્ય રેલવેએ વર્ષ દરમ્યાન ૪૬.૩૨ લાખ મુસાફરોને દંડ કરીને ૩૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ દંડ વસૂલ્યો છે. દેશભરની કોઈ ઝોનલ રેલવે દ્વારા દંડરૂપે વસૂલ કરાયેલી આ સૌથી મોટી રકમ છે. આમાંથી મધ્ય રેલવેના મુંબઈ વિભાગે ૧૯.૫૭ લાખ મુસાફરો પાસેથી ૧૦૮.૨૫ કરોડ રૂપિયાનો દંડ વસૂલી ૧૦૦ કરોડના સીમાચિહનને પાર કર્યું છે. પશ્ચિમ રેલવેમાં પણ દંડપેટે ઘણી મોટી રકમ વસૂલ કરવામાં આવી છે.’
પશ્ચિમ રેલવેમાં હાથ ધરાયેલી વિવિધ ટિકિટ ચેકિંગ ઝુંબેશમાં દંડપેટે ૧૫૮.૨૮ કરોડ રૂપિયા વસૂલાયા છે. એમાંથી મુંબઈનાં ઉપનગરોમાંથી ૩૯.૯૯ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. એમાં ટિકિટ વિના પ્રવાસ કરતા મુસાફરો, અનિયમિત મુસાફરો અને બુક કર્યા વગરના લગેજના કેસ એમ મળીને કુલ ૨૩.૭૦ લાખ મુસાફરોના કેસ નોંધાયા હોવાનું પશ્ચિમ રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું.
બંને રેલવેનો મળીને કુલ ૪૫૦ કરોડ રૂપિયાનો દંડ વસૂલાયો છે. એમાં લોકલ રેલવેના મુસાફરો પાસેથી ૧૫૦ કરોડ રૂપિયાનો દંડ વસૂલાયો છે. પશ્ચિમ રેલવેની એસી ટ્રેનમાં ચલાવાયેલી ઝુંબેશમાં એપ્રિલ ૨૦૨૨થી સમગ્ર વર્ષ દરમ્યાન ૪૫,૬૦૦ ખુદાબક્ષ મુસાફરોને દંડિત કરાયા છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz