વડાપ્રધાન મોદી 12મીને શુક્રવારે ગુજરાતની મુલાકાતે છે. તેઓ ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ)ના લાભાર્થીઓ માટે રૂા.1946 કરોડના ખર્ચે આવાસોનુ લોકાર્પણ, ખાતમુહુર્ત કરશે અને ગૃહપ્રવેશ કરાવશે. મહાત્મા મંદિરમાં બપોરે 12 વાગે યોજાનારા આ ‘અમૃત આવાસોત્સવ’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ અને ગ્રામીણ આવાસ મંત્રી રાધવજી પટેલ સહિત અન્ય મંત્રીઓ ઉપસ્થિત રહેશેે.
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 7113 આવાસોનુ લોકાર્પણ, 4331 આવાસોનુ ખાતમુહુર્ત અને 18997 આવાસોમાં ગૃહપ્રવેશ કરાવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 232 તાલુકાના 3740 ગામમાં 12000 આવાસોનુ લોકાર્પણ કરાશે. આમ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ રૂા.1946 કરોડના ખર્ચે 42441 આવાસોનુ લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરાવશે. સાત લાભાર્થીઓને તેમના ઘરની ચાવીનું વિતરણ કરાશે.
મહાત્મા મંદિરમાં 7000 લાભાર્થી ઉપસ્થિત રહેશે
ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં શહેરી વિસ્તારના 4000 લાભાર્થી અને ગ્રામીણ વિસ્તારના 3000 મળીને કુલ 7000 લાભાર્થી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત,મહાનગરો, નગરપાલિકાઓ તેમજ ગામોના તમામ લાભાર્થીઓ પસંદ કરાયેલા સ્થાન પરથી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાશે.
3900 પ્રોજેકટ સ્થળોએ કનેકિટવિટી
લગભગ 3900 પ્રોજેકટ સ્થળો (શહેરી અને ગ્રામીણ) પર બીઆઈએસએજી દ્વારા કનેકિટવિટીની કાર્યવાહી કરાશે. દરેક સ્થળો પર તોરણ-રંગોળી, ફૂલોનુ સુશોભન, વૃક્ષારોપણ, મહિલાઓ દ્વારા કળશવિધિ અને પૂજા, સ્થાનિક લોકગીતો અને લોકનૃત્યો વગેરેનુ આયોજન છે. આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા પર્યાવરણ માટે જીવનશૈલી (લાઈફ) માટે નિર્ધારિત ફોર્મેટમાં પ્રતિજ્ઞા પણ લેવામાં આવશે. દરેક સ્થળો પર મેયર, ભૂતપૂર્વ ટીપી, ડીપી સભ્યો, પ્રમુખો, ધારાસભ્યો, સાંસદો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
અત્યાર સુધીમાં કુલ 11.56 લાખ આવાસ બંધાયા
ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 11,56 લાખ આવાસોનુ બાંધકામ પૂર્ણ કરાયુ છે, જેમાં શહેરી વિસ્તારમાં કુલ 7.50 લાખ આવાસો, જયારે ગ્રામીણ વિસ્તારમાં 4.06 લાખથી વધુ આવાસોનુ નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યુ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w