રાષ્ટ્રવાદી કોન્ગ્રેસ પક્ષમાં આખરે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું છે. હાઈ વોલ્ટેજ ડ્રામા પછી શરદ પવારે શુક્રવારે સાંજે જાહેરાત કરી હતી કે, એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષપદ પરથી રાજીનામું પાછું ખેંચી લીધું છે. અગાઉ સવારે એનસીપીના નવા પ્રમુખની પસંદગી માટે રચાયેલી સમિતિએ શરદ પવારના પક્ષ પ્રમુખપદ છોડવાના નિર્ણયને નકારી કાઢતો ઠરાવ પસાર કર્યો હતો. શરદ પવારે શુક્રવારે સાંજે જાહેરાત કરી હતી કે, હું તમારી લાગણીઓનું અપમાન કરી શકતો નથી. હું ભાવુક બની ગયો છું અને મારો નિર્ણય પાછો ખેંચી રહ્યો છું.
પવારે કહ્યું કે મેં 2 મેના એનસીપી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. મને એવું લાગતું હતું કે આટલાં વર્ષોની સેવા પછી મારે નિવૃત્ત થવું છે. પવારે કહ્યું કે આ પછી ઘણા એનસીપી કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ દુ:ખી થયા. મારા શુભચિંતકો અને કાર્યકરો, અને પ્રિયજનોએ મને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી હતી. આ સાથે કાર્યકરોએ મને ફરીથી પ્રમુખપદ પરત લેવા જણાવ્યું હતું. મારાથી લોકોની ભાવનાઓનો અનાદર થઈ શકે નહીં.
અજિત પવારની ગેરહાજરી વિશે શું બોલ્યા :
શરદ પવારે સ્પષ્ટતા કરી કે અજિત પવાર પત્રકાર પરિષદમાં ગેરહાજર હતા, અહીં કોણ છે, અને કોણ નથી તેનું અલગ અર્થઘટન ન કરો. દરેકનો અભિપ્રાય હતો કે મારે પુનર્વિચાર કરવો જોઈએ. પરંતુ આવી સ્થિતિમાં નેતૃત્વએ સૌથી આગળ રહીને કામ કરવું પડશે. હું રોટલી ફેરવવા જતો હતો પરંતુ હવે રોટલી રોકાઇ ગઈ છે. આઘાડીને વાંધો નહીં આવે, અમે સાથે મળીને કામ કરીશું.નેતાઓ ભાજપમાં જોડાશે તે જૂઠાણું : પવારે કહ્યું, હું માફી માગું છું કારણ કે મેં કોઈને રાજીનામાનો આઈડિયા આપ્યો નથી. આ વિચાર માત્ર અજિત પવારે જ આપ્યો હતો. સુપ્રિયા સુળે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે તે વાત સાચી નથી. એનસીપીના નેતાઓ ભાજપમાં જોડાશે તે જૂઠાણું છે.
પુનઃવિચાર કરવા શા માટે પ્રેરાયા :
પવારે કહ્યું, 2 મે, 2023 ના રોજ, મારા આત્મચરિત્ર ‘લોક માઝે સાંગાતી’ ના વિમોચન સમયે મેં નિવૃત્ત થવાના મારા નિર્ણયની જાહેરાત કરી. જાહેર જીવનમાં લગભગ 63 વર્ષની લાંબી સેવા કર્યા પછી, તે જવાબદારીમાંથી મુક્ત થવાની મારી ફરજ હતી. પરંતુ મેં લીધેલા નિર્ણયથી લોકોમાં તીવ્ર લાગણી જન્મી.
અસંખ્ય કાર્યકરો, પદાધિકારીઓ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના સહ કાર્યકરો, નેતાઓમાં અસ્વસ્થતા ઊભી થઈ. મારા શુભચિંતકો, મારામાં પ્રેમ અને વિશ્વાસ ધરાવતા કાર્યકરો, અસંખ્ય પ્રશંસકો એક થયા અને મને નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે, કેટલાકે રૂબરૂ મળીને મને અપીલ કરી. તે જ સમયે, દેશભરમાંથી અને ખાસ કરીને મહારાષ્ટ્રના વિવિધ પક્ષોના સાથીદારો અને કાર્યકરોએ મને ફરીથી પ્રમુખની જવાબદારી નિભાવવા ભારપૂર્વક વિનંતી કરી.
લાગણીઓનો અનાદર નહીં કરું
લોકો મને કહે છે, એ મારા લાંબા અને સંતુષ્ટ જાહેર જીવનનું રહસ્ય છે. હું તમારી લાગણીઓનો અનાદર કરી શકતો નથી. તમે જે પ્રેમ અને વિશ્વાસ દર્શાવ્યો છે, તેનાથી હું અભિભૂત છું. અમારા બધા દ્વારા મારા નિર્ણયને રદ કરવાની અપીલ, અને વિનંતીઓને ધ્યાનમાં લઈને અને પક્ષ દ્વારા રચાયેલી સમિતિના નિર્ણયને માન આપીને કે મારે ફરીથી પ્રમુખ તરીકે રહેવું જોઈએ, હું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખપદેથી નિવૃત્તિ લેવાનો મારો નિર્ણય પાછો ખેંચી રહ્યો છું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w