શિક્ષણ અને સરકારી નોકરીમાં અનાથ માટે એક ટકા અનામત અંગે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે. ૧૮ વર્ષની ઉંમર પહેલાં માતા – પિતાનું છત્ર ગુમાવી દેનાર બાળકો નોકરી માટે હકદાર રહેશે.
ગુરુવારે જારી કરવામાં આવેલા સરકારી પરિપત્ર (ગવર્નમેન્ટ રિઝોલ્યુશન)માં જણાવવામાં આવ્યું છે કે ‘કેટલી નોકરી ઉપલબ્ધ છે અને એડમિશન માટે કેટલી બેઠકો છે એને આધારે અનાથ માટેની અનામત જગ્યા નક્કી કરવામાં આવશે. અનાથોની વહેંચણી બે જૂથમાં કરવામાં આવશે. સરકાર દ્વારા સંચાલિત સંસ્થાઓ અથવા અંગત માલિકીના (પ્રાઇવેટ) અનાથાલય પ્રવેશ મેળવનાર એક જૂથ તરીકે ગણવામાં આવશે. અનાથાલય સિવાય અન્ય જગ્યાએ ઉછરેલા (દાખલા તરીકે સગાં સંબંધીને ત્યાં) બીજા જૂથમાં ગણવામાં આવશે.’
સરકારના અંદાજ અનુસાર કોવિડ મહામારીમાં આશરે ૮૦૦ બાળકોએ માતા – પિતા ગુમાવ્યાં હતાં. ૨૦૨૧માં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ કેબિનેટ દ્વારા ક્વોટાને મંજૂરી આપવામાં આવી હતી. રાજ્ય સરકાર સંચાલિત અનાથાલયોમાં જ ૪૦૦૦થી વધુ અનાથ છે.
અનાથાલયમાં રહેતાં જે બાળકોનાં માતા પિતા, ભાઈ ભાડુ, નિકટના સગાં કે તેમના ગામ અને તાલુકા વિશે કોઈ જાણકારી નથી એવાં બાળકો અ વિભાગમાં (એ કેટેગરીમાં) રાખવામાં આવ્યાં છે. માતા પિતા બંનેને ગુમાવનાર અને જેમની પાસે જાતિનું પ્રમાણપત્ર નથી એવાં બાળકો બ વિભાગમાં (બી કેટેગરીમાં) સામેલ કરવામાં આવશે. ૧૮ વર્ષની ઉંમર પહેલાં માતા પિતાનું છત્ર ગુમાવી દીધા પછી સગાઓએ ઉછેર કર્યો હોય અને ખાસ કરીને પિતા તરફના સગા તેમનો સમાવેશ ક વિભાગમાં (સી કેટેગરીમાં) કરવામાં આવ્યો છે.
સરકારી પરિપત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર અનામતના હકદાર બનવા માટે પ્રમાણપત્ર – સર્ટિફિકેટ જરૂરી છે. સંસ્થાઓમાં રહેતા અનાથ બાળકો સુપરિટેન્ડેન્ટ મારફત અરજી કરી શકે છે અને અન્ય જગ્યાએ ઉછરેલાં બાળકો જિલ્લાની સંબંધિત મહિલા અધિકારી અને બાળ કલ્યાણ અધિકારીને અરજી કરી શકે છે. અનાથ વિભાગમાં જાતિનો કોઈ અંતરાય નહીં હોય.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz