કેઈએમ, નાયર અને સાયન હોસ્પિટલના સીટીસ્કેન મશીન જૂના થયા છે. અનેક દર્દીઓએ ખાનગી હોસ્પિટલ અથવા કેન્દ્રમાં જઈને સીટીસ્કેન કરાવવું પડે છે. પરિણામે ગરીબ દર્દીઓએ આર્થિક ફટકો સહન કરવો પડે છે. આ બાબત ધ્યાનમાં રાખીને મુંબઈ મહાપાલિકાએ ત્રણેય હોસ્પિટલમાં અદ્યતન સીટીસ્કેન મશીન ખરીદવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં થયેલી એક બેઠકમાં નવા સીટીસ્કેન મશીનની ખરીદવા માટે 39 કરોડ રૂપિયાનો વર્કઓર્ડર જારી કરવામાં આવ્યો છે. આગામી ત્રણચાર મહિનામાં આ ત્રણેય હોસ્પિટલમાં અદ્યતન સીટીસ્કેન મશીન આવી જવાની શક્યતા હોવાથી દર્દીઓને રાહત મળશે.
મુંબઈ મહાપાલિકાની કેઈએમ, નાયર, સાયન હોસ્પિટલમાં ઓપીડીમાં દરરોજ ચારથી પાંચ હજાર દર્દીઓ સારવાર માટે અને અનેક દર્દીઓ અકસ્માત વિભાગમાં આવે છે. એમાંથી લગભગ 100 થી 120 દર્દીઓને સીટીસ્કેનની જરૂર પડે છે. તેથી આ ત્રણેય હોસ્પિટલમાં સીટીસ્કેન માટે લાંબુ વેઈટિંગ લીસ્ટ હોય છે. કેઈએમ હોસ્પિટલમાં સીટીસ્કેન કરવા માટે દર્દીઓએ બે મહિના રાહ જોવી પડે છે. અનેક વખત સીટીસ્કેન તરત કરાવવું જરૂરી હોવાથી દર્દીઓએ ખાનગી લેબોરેટરીમાં સીટીસ્કેન કરાવવું પડે છે. પરિણામે દર્દીઓએ વધુ રૂપિયા ચુકવવા પડે છે.
દર્દીઓની થતી હેરાનગતિ ધ્યાનમાં રાખીને કેઈએમ, નાયર અને સાયન હોસ્પિટલમાં નવા અદ્યતન સીટીસ્કેન મશીન ઉપલબ્ધ કરવા બાબતે તાજેતરમાં વર્કઓર્ડર જારી કરવામાં આવ્યો છે. નવા ખરીદવામાં આવનારા આ મશીન દેશમાં સૌથી અદ્યતન મશીન હશે. તેથી વધુ ઝીણવટભરી રીતે નિરીક્ષણ કરવું શક્ય થશે. આ મશીન આગામી ત્રણચાર મહિનામાં ત્રણેય હોસ્પિટલોને ઉપલબ્ધ થવાની શક્યતા છે.
મુંબઈ મહાપાલિકા દ્વારા ખરીદી કરવામાં આવનારા સીટીસ્કેન મશીન દેશમાં સૌથી અદ્યતન મશીન હોવાથી દર્દીઓની વધુ ઝીણવટભરી તપાસ કરવી શક્ય થશે. નવા મશીનના કારણે દર્દીઓના વેઈટિંગ લીસ્ટમાં ઘટાડો થવામાં મદદ થશે અને દર્દીઓને રાહત મળશે એમ સાયન હોસ્પટિલના ડીન ડો. મોહન જોશીએ જણાવ્યું હતું.
દેશના સૌથી અદ્યતન સીટીસ્કેન મશીન
કેઈએમ, સાયન અને નાયર હોસ્પિટલમાં ઉપલબ્ધ કરી આપવામાં આવનારા આ સીટીસ્કેન મશીન દેશમાં અત્યાર સુધીના સૌથી વધારે અદ્યતન મશીન છે. જાપાનની કંપનીની આ મશીન કેનન પ્રાયમા એક્વિલિયમ પ્રકારના મશીન છે. અત્યાર સુધીના મશીનમાં 120 સ્લાઈસ હતી અને નવા મશીનમાં 160 સ્લાઈસ હશે. એના લીધે હ્રદય, લીવર, સ્વાદુપિંડ, મગજમાં રહેલા 2 મિલીમીટર સુધીના સૂક્ષ્મ ટ્યુમર દેખાશે. નાની નાની બાબતમાં વધુ ચોકસાઈ આવવાથી દર્દીઓની સારવાર કરવી વધુ સહેલું થશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz