મહિલાઓમાં સ્તન કેન્સરનું નિદાન અને સારવાર તરત થાય એ માટે રાજ્ય સરકારે દરેક મેડિકલ કોલેજમાં કેન્સર ઓપીડી શરૂ કરવાનો નિર્ણય લીધો. જોકે આ નિર્ણયનો લાભ ગામડાઓની મહિલાઓને મળે એ માટે દરેક મેડિકલ કોલેજ 50 ગામ દત્તક લેશે. દત્તક ગામની મહિલાઓમાં સ્તનના કેન્સર બાબતે જાગૃતિ નિર્માણ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે.
મહિલાઓમાં સ્તનના કેન્સરનું વધતું પ્રમાણ જોતા રાજ્ય સરકારે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. એ અનુસાર રાજ્યની 49 મેડિકલ કોલેજમાં સ્પેશિયલ કેન્સર ઓપીડી શરૂ કરવામાં આવ્યો છે. અઠવાડિયામાં એક દિવસ આ વિભાગમાં સ્તનના કેન્સરની તપાસ કરવામાં આવે છે. આ ઉપક્રમની માહિતી તમામ મહિલાઓ સુધી પહોંચી શકે, તેમનામાં જાગૃતિ નિર્માણ થાય એ માટે દરેક મેડિકલ કોલેજને 50 ગામ દત્તક આપવાનું અને લગભગ 20 હજાર મહિલાઓની તપાસ કરવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. મેડિકલ કોલેજ શહેર ભાગમાં છે.
તેથી ગ્રામીણ મહિલાઓને મેડિકલ કોલેજના નિષ્ણાત ડોકટરો પાસેથી સારવાર મળે એ માટે મેડિકલ શિક્ષણ મંત્રી ગિરીશ મહાજને આપેલી સૂચના અનુસાર ગામ દત્તક લઈને મહિલાઓને સ્તન કેન્સર સંદર્ભની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવશે એમ આ ઉપક્રમના સમન્વયક અને સ્ત્રીરોગ નિષ્ણાત ડો. તુષાર પાલવેએ જણાવ્યું હતું. રાજ્યની 49 મેડિકલ કોલેજના માધ્યમથી 30 થી 64 વર્ષની વયજૂથની કુલ 9 લાખ 80 હજાર મહિલાઓની તપાસ કરવામાં આવશે. આ તપાસનું પ્રથમ સત્ર બે વર્ષ સુધી ચાલશે. બે વર્ષ પછી આ મહિલાઓની ફરીથી તપાસ કરવામાં આવશે એવી માહિતી ડો. પાલવેએ આપી હતી.
મહિનામાં 21 શિબિર
દરેક મેડિકલ કોલેજને બે વર્ષમાં 20 હજાર મહિલાઓની તપાસ કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. એ પૂરો કરવા માટે દર મહિને 21 શિબિર લેવી પડશે. આ શિબિરમાંથી દર મહિને ઓછામાં ઓછા 840 મહિલાઓની તપાસ કરવામાં આવશે. એ પ્રમાણે એક વર્ષમાં 10 હજાર 80 મહિલાઓ અને બે વર્ષમાં 20 હજાર 160 મહિલાઓની તપાસ કરવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે.
શિક્ષણ અને જાગૃતિ
એક શિબિરમાં 30 થી 65 વર્ષની વયજૂથના 40 પાત્ર મહિલાઓની તપાસ કરવામાં આવશે. આ મહિલાઓને શિબિરમાં 20 થી 30 મિનિટ આરોગ્ય શિક્ષણની માહિતી આપવામાં આવશે અને 15 થી 20 મિનિટ તપાસ કરવામાં આવશે. આ તપાસનો અહેવાલ પોઝિટિવ આવશે તો તાત્કાલીક સારવાર શરૂ કરવામાં આવશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w