આણંદ શહેરના લાંભવેલ ગામ ખાતે હનુમાનજી મહારાજનું પુરાતન યાત્રા ધામ આવેલ છે જે આણંદ શહેરથી લગભગ 2થી 3 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિર આણંદ નડિયાદ રોડ પર હોવાથી અહીંયા પસાર થતાં અનેક લોકો મંદિરના દર્શન અવશ્ય કરે છે.
આ મંદિરમાં પ્રવેશતાની સાથે મંદિરનો મોટો દ્વાર જોવા મળે છે સાથે સાથે ત્યાંનો મોટું ચોગાન અને ચારેય બાજુ વર્ષો જૂના ઝાડ જોવા મળે છે. બીજી બાજુ નજર કરતા મંદિરના શિખર પર સોનાનો કળશ જોવા મળે છે, તેમજ અહીંયા આવતા દર્શનાર્થીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં કરવામાં આવે છે.
જાણો કેવી રીતે થઈ સ્વયંભુ હનુમાનજી મંદિરની ઉત્પતિ
સોળમા સૈકાની વાત છે આ મંદિરના નજીકમાં એક લાભુ નામનો ભરવાડ રહેતો હતો જે પોતાની ગાયો લઈને રોજ ઘાસ ચરવા જતો હતો તેમાં એક ગાય રોજ આંકડાના છોડ પર ઊભી રહે અને ત્યાં તે ગાયનું દૂધ આંચળમાંથી વહી જતું અને આમ રોજ થતું પણ સાંજે લાભુ ભરવાડ ધણ લઈને પાછો ઘેર ફરે અને દોવા બેસે ત્યારે તે ગાય દૂધ ન આપે, આવું રોજ થતું એક દિવસ આ ગાય પર પાછળ ધ્યાન રાખીને જોયું ત્યારે ખબર પડી કે અહીંયા ગાય ઊભી રહે છે અને દૂધ વહી જાય છે આ જોઈને નવાઈ લાગી અને રાત્રે વિચારતા સૂઈ ગયો અને તેણે સપનું આવ્યું એટલે સવારે તે જ જગ્યા પર ખોદવાનું શરૂ કર્યું ત્યારે ખોદતા તેને કોદારી પર લાલ રંગ દેખાયો અને સપનાની વાત તેને સાચી લાગવા લાગી, પછી તેને હાથ વડે માટી ખોદી ત્યારે તેમાંથી એક સુંદર હનુમાનજીની મૂર્તિ મળી આવી અને ત્યારથી જ અહીંયા સ્વયંભૂ હનુમાનજી બિરાજમાન છે.
દૂર દૂરથી લોકો અહીંયા દર્શન કરવા આવે છે
આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિક્રમ સંવત 1579નાં શ્રાવણ સુદ 8ના રોજ કરવામાં આવી તે પહેલા મંદિરની છબી હજીએ મંદિરમાં મોજુદ છે.
આ મંદિરના દર્શને લોકો દૂર દૂરથી આવે છે. અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ અને મુંબઈ જેવા શહેરોમાંથી લોકો અહીંયા દર્શન કરવા આવે છે. ભક્તોનું કહેવું છે કે અહિયાં તેમની અનેક મનોકામના પણ પૂર્ણ થાય છે. આ મંદિરમાં શનિવારે વધારે ભીડ જોવા મળે છે, વર્ષમાં હનુમાન જન્મ જયંતી નિમિત્તે મંદિરમાં મોટો મેળો પણ ભરાય છે.આ મંદિરમાં ભૂખ્યાને ભોજન સેવા અને સાર્વજનિક ધરમદનું દવાખાનું પણ ચાલવામાં આવે છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w