IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આ સતત બીજી હાર છે
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 15મી મેચ 10 એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. છેલ્લા બોલ સુધી મેચ કોણ જીતશે તે નક્કી નહોતું. પરંતુ અંતે લખનઉની ટીમનો વિજય થયો હતો. આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 2 વિકેટે 212 રન બનાવ્યા હતા. લખનઉએ જીત માટેનો 213 રનનો ટાર્ગેટ છેલ્લા બોલે 9 વિકેટના નુકસાને પૂરો કર્યો હતો. લખનઉ સામેની હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ખૂબ જ નિરાશ દેખાતો હતો. મેચ બાદ તેણે કહ્યું હતું કે જીતવા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.
જીતવા માટે શ્રેષ્ઠ આપો
લખનઉ સુપર જાયન્ટ્સ સામેની અણધારી હાર બાદ આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસના ચહેરા પર સ્પષ્ટ નિરાશા જોવા મળી હતી. તેણે મેચ બાદ કહ્યું હતું, ‘હું હારથી નિરાશ છું. સ્વાભાવિક છે કે તેઓ મધ્ય ઓવરોમાં સારું રમ્યા હતા. પરંતુ મને લાગ્યું કે અમે શાનદાર વાપસી કરી છે. મને છેલ્લા બોલ પર રન આઉટની અપેક્ષા હતી. શરૂઆતમાં સ્કોર 7 થી 14 ઓવર સુધી ધીમી હતી. પરંતુ છેલ્લી પાંચ ઓવરમાં બોલ બેટ પર સારી રીતે આવી રહ્યો હતો જે બીજા દાવમાં પણ ચાલુ રહ્યો હતો. ફાફ ડુ પ્લેસિસે વધુમાં કહ્યું હતું કે ‘મેં મારા તમામ હથિયારો અજમાવી લીધા. કમનસીબે, તેઓએ અમારા મુખ્ય બોલરોની ધોલાઇ કરી હતી. હર્ષલ પટેલની પ્રથમ 2 ઓવર ખર્ચાળ હતી. પરંતુ બાદમાં તેણે વાપસી કરી હતી. ડેથ ઓવરોમાં બોલિંગ કરવી મુશ્કેલ છે. જીતવા માટે તમારે તમારું સર્વશ્રેષ્ઠ આપવું પડશે.
RCBની સતત બીજી હાર
IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આ સતત બીજી હાર છે. RCB 2 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામેની જોરદાર જીત બાદ બીજી જીતની શોધમાં હતી. 6 એપ્રિલે બેંગ્લોરને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 81 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. અને 10 એપ્રિલે લખનઉએ તેને 1 વિકેટથી હરાવ્યું હતું. સતત 2 હાર બાદ RCBની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા નંબરે સરકી ગઈ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં બેંગ્લોરના 3 મેચમાંથી 2 પોઈન્ટ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz