રાજેશ ચાવડા
નાસિકમાં પંચવટી એડ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ગુજરાતી માધ્યમની શાળા અન્ય શાળાઓ માટે આદર્શ ઉદાહરણ સ્થાપિત કરી છે
એક કહેવત છે ને કે “મન હોય તો માળવે જવાય”. આ કહેવતને જો હકીકતમાં સાકાર થતી જોવી હોય તો મહારાષ્ટ્રની પુણ્યનગરી કહેવાતા નાશિક શહેરમાં ફરી આવો. જ્યાં પંચવટી વિસ્તારમાં ગુજરાતી માધ્યમની એક શાળાના ધબકારા ફરી એકવાર વધી રહ્યા છે. પંચવટી એડ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત શ્રી નિરંજન ખેતાણી બાળમંદિર, ગોદાવરી બાઈ પ્રાથમિક શાળા અને શેઠ આર.પી.વિદ્યાલય (માધ્યમિક શાળા)માં બાળકોને ફક્ત શિક્ષણ જ નહીં, શિક્ષણ સાથે સંસ્કાર આપવામાં આવે છે, વિદ્યાર્થીઓને ઉત્તમ અંગ્રેજી શીખવવામાં આવે છે અને બાળકોને સારી કેળવણી આપવામાં આવે છે.
બાળકોની માતાઓ કરી રહી છે શાળાનો પ્રચાર
જ્યાં એક તરફ માતાપિતા/વાલીઓ પોતાના બાળકોને ગુજરાતી માધ્યમની શાળામાં ભણાવવા તૈયાર થતા નથી ત્યાં બીજી તરફ નાસિકના ગુજરાતી પરિવારના માતાપિતા/વાલીઓ પોતાના બાળકોને પંચવટી એડ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ગુજરાતી માધ્યમની શાળામાં ભણાવે છે. વિશેષ વાત તો એ છે કે આ શાળામાં પોતાના બાળકોને ભણાવવા મોકલતી માતાઓ નાશિક શહેરના ગુજરાતી પરિવારોની અન્ય માતાઓને પણ ગુજરાતી માધ્યમના શિક્ષણ માટે પ્રેરિત કરે છે.
શાળાનું ઋણ ચૂકવવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આવ્યા આગળ
તમારા મનમાં એક પ્રશ્ન ચોક્કસ ઉદ્ભવ્યો હશે કે મરાઠી બહુમતી વિસ્તારમાં ગુજરાતી માધ્યમની શાળા? તો જવાબ છે હા, મરાઠી બહુમતી વિસ્તારમાં ગુજરાતી માધ્યમની ઉત્તમ શાળા. પોતાની શાળાને આકર્ષક, ઉત્તમ અને આદર્શ શાળા બનાવવા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મેદાને પડ્યા છે. આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિધાર્થિનીઓમાં કોઈ ટ્રસ્ટી તરીકે, કોઈ સંચાલક મંડળના સભ્ય તરીકે તો કોઈ શિક્ષિકા તરીકે નાશિક શહેરની ગુજરાતી માધ્યમની પોતાની શાળાનું ઋણ ચૂકવવા આગળ આવ્યા છે.
ગુજરાતી માધ્યમની આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં નબળા ના રહે તેની લેવાય છે વિશેષ તકેદારી
અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા ગુજરાતી પરિવારોના બાળકો આપણા ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણી અસ્મિતાથી ધીમે ધીમે દૂર થઈ રહ્યા છે જેનું કારણ છે અંગ્રેજી માધ્યમનું શિક્ષણ. આ બાબતે પંચવટી એડયુકેશન સોસાયટીના સંચાલક મંડળનો એકદમ સ્પષ્ટ મત છે કે, “આજે બાળકોને સારું અંગ્રેજી શીખવવું ખૂબ જ જરૂરી છે પરંતુ તે માટે શિક્ષણનું માધ્યમ અંગ્રેજી કરવાની કોઈ જરૂર નથી. અમે ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓને સારું અંગ્રેજી શીખવીએ છીએ અને અમારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષામાં જરા પણ નબળા રહી ન જાય તેની ખાસ તકેદારી રાખીએ છીએ.”
સંસ્થા દ્વારા ચલાવાતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ
પંચવટી એડ્યુકેશન સોસાયટી દ્વારા ગુજરાતી માધ્યમમાં (૧) શ્રી નિરંજન ખેતાણી બાળમંદિર (૨) ગોદાવરીબાઈ પ્રાથમિક શાળા અને (૩) શેઠ આર.પી.વિદ્યાલય (માધ્યમિક વિભાગ) દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. તે સિવાય નર્સરીથી ધોરણ દસ સુધી અંગ્રેજી માધ્યમ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીમાં જુનિયર કોલેજ તથા ફાર્મસી ફેકલ્ટીમાં ડિગ્રી/ડિપ્લોમાની કોલેજ ચલાવવામાં આવે છે.
ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા પર મુકાયેલો ભાર
પંચવટી એડ્યુકેશન સોસાયટીના સંચાલક મંડળના સભ્યોનું માનવું છે કે બાળકોનું શિક્ષણ ફક્ત માર્કલક્ષી ના હોવું જોઈએ. શિક્ષણ એટલે જ્ઞાન. ફક્ત ગોખણપટ્ટી કરીને મેળવેલા માર્ક કરતા સાચી કેળવણી દ્વારા મળેલું જ્ઞાન જીવનયાત્રાના દરેક તબક્કે વધુ કામ આવે છે. પોતાની આ વિચારધારાને અનુરૂપ સંચાલકોએ ગુજરાતી માધ્યમમાં ભણતા બાળકોને Quality Education એટલે કે ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ભાર મૂક્યો છે.
બાળમંદિર છે અદ્ભુત – નવ્ય, ભવ્ય અને દિવ્ય આપ્યા છે નામ
જેને શિક્ષણના પાયાનો તબક્કો કહેવાય તે પંચવટી એડ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત શ્રી નિરંજન ખેતાણી બાળમંદિર ખરેખર અદ્ભુત છે. અહીંયા તેમણે નર્સરીને નામ આપ્યું છે “નવ્ય”, જુનિયર કેજીને નામ આપ્યું છે “ભવ્ય” અને સિનિયર કેજીને નામ આપ્યું છે “દિવ્ય”. બાળમંદિરના આ ત્રણેય વર્ગોમાં બાળકોને રમતગમતની સાથે સાથે જ્ઞાન આપવામાં આવે છે. બાળક ધોરણ પહેલામાં આવે ત્યાં સુધીમાં તેને ગુજરાતી બારાખડી, અંગ્રેજી આલ્ફાબેટ અને અંકોની ઓળખ થઈ ગઈ હોય છે. આ બાળમંદિરની વિશેષતાઓ દર્શાવતા ફોટાઓ અહી છાપ્યા છે.
શિક્ષણની સાથે સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનશે આધુનિક
આ શાળાના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં પણ એટલું જ વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ધોરણ દસ પાસ કરીને વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે જ્યારે કોલેજ જાય ત્યારે અંગ્રેજી ભાષાને કારણે વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ના થાય તેની ખાસ કાળજી અહી લેવામાં આવે છે. અહીં આપણે વાત કરી ગુણવત્તાયુક્ત શિક્ષણની પરંતુ અત્યારે શિક્ષણની સાથે સાથે અન્ય બાબતો પણ એટલી જ મહત્વની છે. જેમકે દરેક વર્ગોની અંદર અને બહાર સુંદર માહિતીસભર ચિત્રકામ, આરામદાયક બેંચો, ડિજિટલ બોર્ડ, આધુનિક પ્રયોગશાળા, વિવિધ વિષયોના જ્ઞાનને આવરી લેતી લાઇબ્રેરી, સંગીત શાળા, રમતગમત વગેરે વગેરે તો આ બાબતે પણ પંચવટી એડ્યુકેશન સોસાયટીના સંચાલક મંડળે નક્કર પગલાં ઉપાડવાના શરૂ કર્યા છે અને આ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું છે.
અનુદાન આપવા પહેલી શરત – શાળાની મુલાકાત લેનાર દાનવીરનું જ અનુદાન સ્વીકારશે
પોતાની ગુજરાતી શાળા ક્યાંય પાછળ ના રહે અને આખા મહારાષ્ટ્ર રાજ્યની સર્વ ગુજરાતી માધ્યમની શાળાઓમાં પોતાની શાળા સર્વશ્રેષ્ઠ કહેવાય તે માટે નિર્ધાર કરી ને પ્રમાણિક પ્રયાસો કરી રહેલા આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ખરેખર અભિનંદન અને વંદન ને પાત્ર છે, જે ટ્રસ્ટી તરીકે, સંચાલક મંડળના સભ્ય તરીકે આને શિક્ષક તરીકે પોતાની શાળાને આકર્ષક, આદર્શ અને ઉત્તમ બનાવવા કટિબદ્ધ છે. અત્યારે જરૂર છે આ શાળાને આર્થિક યોગદાનની તો સંસ્થાના સભ્યોને ખાતરી છે કે આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એટલા ખમતીધર છે કે તેમને બીજે ક્યાંય હાથ લાંબો કરવાની જરૂર નથી. તે છતાં કોઈ ગુજરાતી ભાષા પ્રેમીને આર્થિક અનુદાન દેવાની ઈચ્છા હોય તો તેઓ પહેલા શાળાની મુલાકાત લે અને ત્યારબાદ અનુદાન આપે તેવો આગ્રહ પણ તેઓ કરી રહ્યા છે.
શાળાની મુલાકાત તથા વધુ માહિતી માટે સંપર્ક : ઉર્વીશ જોષી 93721 11944
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w