નવા નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ દિવસથી જ મુંબઈગરાને વીજળીનો મોટો આંચકો લાગ્યો છે. મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (એમઈઆરસી) દ્વારા 1લી એપ્રિલ, 2023થી નવા દર અમલમાં લાવવામાં આવ્યો છે, જે અનુસાર મુંબઈ સહિત રાજ્યભરના ગ્રાહકોને 5થી 10 ટકાનો વીજ દર વધારો સહન કરવાનો રહેશે.રાજ્યમાં મુખ્યત્વે ચાર વીજ કંપની છે, જેમાં મહારાષ્ટ્ર રાજ્ય વીજ વિતરણ કંપની (એમએસઈડીસીએલ), ટાટા પાવર અદાણી ઈલેક્ટ્રિસિટી અને બેસ્ટનો સમાવેશ થાય છે. એમએસઈડીસીએલ રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જે મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યુત મંડળની સબસિડિયરી છે.
અગાઉથી જ ઉચ્ચ ટેરિફ ચૂકવતા એમએસઈડીસીએલના ગ્રાહકોને 2023-24 અને 2024-25માં પણ 6 ટકા વધુ દર ચૂકવવા પડશે. સૌથી સસ્તા દર મનાય છે તે બેસ્ટની વીજળીના દર 2023-24 માટે 6 ટકા અને 2024-25 માટે 6.7 ટકા વધશે.
ટાટા પાવરનું વીજ ટેરિફ 2024 માટે 11.9 ટકા અને 2025 માટે 12.2 ટકા વધશે. આથી નિવાસી ગ્રાહકોના દરમાં 2024માં 10 ટકા અને 2025માં 21 ટકા વધશે. ઉદ્યોગ માટે દર 2024માં 11 ટકા અને 2025માં 17 ટકા વધશે. અદાણીનું વીજ ટેરિફ 2024 માટે 2.2 ટકા અને 2025 માટે 2.1 ટકા વધશે. આથી નિવાસી દરમાં 2024માં 5 ટકા અને 2025માં 2 ટકા વધારો થશે. ઉદ્યોગ માટે દરમાં કોઈ ફેરફાર કરાયો નથી.બેસ્ટ (બૃહદમુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય ટ્રાન્સપોર્ટ)નું વીજ ટેરિફ 2024માં 5.1 ટકા અને 2025માં 6.3 ટકા વધ્યું છે, જેને લીધે નિવાસી ગ્રાહકોને 2024માં 6.19 ટકા અને 2025માં 6.7 ટકા વધારો ચૂકવવાનો રહેશે.
અદાણીએ શું કહ્યું?
અદાણી ઈલેક્ટ્રિસિટીના નવીનીકરણક્ષમ ઊર્જાનો હિસ્સો વધારવા અને વીજ ખરીદી ખર્ચ મહત્તમ બનાવવાના એકધાર્યા પ્રયાસને લીધે મહારાષ્ટ્ર રાજ્યમાં ટેરિફ વધારો ઓછામાં ઓછો રહે તેની ખાતરી રખાઈ છે. ખાસ કરીને ઈંધણના ભાવોમાં અસ્થિરતાને લીધે દેશભરમાં પ્રસ્તાવિત ટેરિફ વધારો થઈ રહ્યો છે તેવા વાતાવરણમાં પણ ટેરિફ ઓછો રાખવાની ખાતરી રાખવામાં આવી છે. અમે મોટા ભાગની ટેરિફ શ્રેણીઓમાં સૌથી સ્પર્ધાત્મક ટેરિફ સાથે અમારા ગ્રાહકોને સેવા આપવાનું ચાલુ રાખીશું. અમે અમારા ગ્રાહકો માટે ઉજ્જવળ અને વધુ સક્ષમ ઊર્જા ભવિષ્ય નિર્માણ કરવા ટેકનોલોજી અને નવીનીકરણક્ષમ ઊર્જામાં રોકાણ કરવા સમર્પિત રહીશું, એમ અદાણી ઈલેક્ટ્રિસિટીના મેનેજિંગ ડાયરેક્ટર કંદર્પ પટેલે જણાવ્યું હતું.
એમએસડીસીઈએલે શું કહ્યું?
એમએસઈડીસીએલે જણાવ્યું કે એમઈઆરસીના નિર્દેશ મુજબ કંપનીએ જનતા પાસેથી લેખિત સૂચનો અને વાંધાઓ મગાવ્યા હતા અને પુણે, નવી મુંબઈ, અમરાવતી, નાગપુર, ઔરંગાબાદ અને નાશિકમાં 21 ફેબ્રુઆરી, 2023 થી માર્ચ 03, 2023 સુધી જાહેર સુનાવણી યોજી હતી. જનતા સાથે વિચારવિમર્શની આ પ્રક્રિયા પછી પંચે માર્ચ 31, 2023ના આદેશ દ્વારા નાણાકીય વર્ષ 2023-24 અને 2024-25 માટે મહાવિતરણની ત્રણ કંપનીની કુલ આવકની જરૂરિયાત અને વીજળીના ટેરિફ નક્કી કર્યા છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz