પાલિતાણાના શત્રુંજય પર્વત પર જાત્રા કરતી વખતે અસહ્ય ગરમીને લીધે લૂ લાગવાથી ચક્કર આવી જતાં પગથિયા પર પડી ગયા એટલે જીવલેણ માર વાગ્યો હતો
મુલુંડ-વેસ્ટમાં ઇલેક્ટ્રૉનિક આઇટમનો વ્યવસાય કરતા એક વેપારી શનિવારે પાલિતાણાના શત્રુંજય પર્વત પર જાત્રા કરતી વખતે અસહ્ય ગરમીને કારણે લૂ લાગવાથી ચક્કર આવતાં પડી ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. આ બનાવ બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાલિતાણા જૈન સંઘના પ્રમુખ અને શેઠ આણંદજી ક્લ્યાણજી પેઢીના પ્રતિનિધિ શાંતિલાલ મહેતા પાસેથી જાણવા મળ્યું હતું કે ‘મૂળ ગુજરાતના શિહોરના વતની અને હાલમાં મુલુંડ-વેસ્ટમાં રહેતા અને ઇલેક્ટ્રૉનિક આઇટમનો વ્યવસાય કરતા બાવન વર્ષના અમિત વિનોદરાય દોશી મુંબઈથી આઠેક લોકોના ગ્રુપ સાથે પાલિતાણા જાત્રા કરવા ગયા હતા. તેઓ પાલિતાણાની કસ્તુર ગામ જૈન ધર્મશાળામાં રોકાયા હતા.
શનિવારે સવારે તેઓ પત્ની પ્રીતિ સાથે શત્રુંજય ગિરિરાજની જાત્રા કરવા માટે ગયા હતા, પરંતુ ૪૦ડિગ્રીથી વધુ ગરમીને કારણે શત્રુંજય પર્વત પર જ હીટ વેવનો ભોગ બન્યા હતા. તેમની હાલત વધુ લથડી જતાં તેમને ગિરિરાજ પરથી ડોળીવાળા દ્વારા તળેટીમાં લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઍમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક પાસે આવેલી ખાનગી ગિરિવિહાર નામની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડૉક્ટરે તેમને તપાસ્યા બાદ મૃત જાહેર કર્યા હતા. ત્યાર બાદ અમિત દોશીની અંતિમવિધિ કરવામાં આવી હતી.
શાંતિલાલ મહેતા વધુમાં કહ્યું હતું કે અમિત દોશી જાત્રા કરીને નીચે ઊતરી રહ્યા હતા ત્યારે રામપોળ પાસે તેમને ચક્કર આવતાં તેઓ પર પડી જતાં ઍમ્બ્યુલન્સ બોલાવીને તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેઓ મૃત્યુ પામ્યા હતા.’
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w