સન ૧૯૮૫માં પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધી ઓડિસા રાજ્યના કાલાહાંડી જિલ્લાના દુકાળગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા હતા. તે સમયે તેમણે કહ્યું હતું કે સરકાર દ્વારા ખર્ચ થઈ રહેલા પ્રત્યેક રૂપિયામાંથી ફક્ત પંદર પૈસા જ લાભાર્થી સુધી પહોંચે છે. એનો અર્થ એ થયો કે ૮૫ ટકા પૈસા જરૂરિયાતમંદ લોકોના ખીસામાં જવાને બદલે એ રાહત ફંડના પૈસા નેતાઓ, તેમના વચેટિયાઓ, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના ખીસામાં જતા હતા. જ્યારે દેશના વડાપ્રધાન દેશમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર વિશે જાહેરમાં બોલે ત્યારે સરકારી યંત્રણા સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા થતા ભ્રષ્ટાચારની ગંભીરતાનો ખ્યાલ આવે છે. અત્યારે આ પૈસા ભલે સીધા લાભાર્થીના બેંકના ખાતામાં જમા થાય છે પરંતુ અત્યારે ભ્રષ્ટાચારની પદ્ધતિમાં પણ બદલાવ આવ્યા છે.
આમ જોવા જઈએ તો આ ભ્રષ્ટાચારની સાંકળમાં ફક્ત સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની જ સંડોવણી નથી હોતી. સરકાર ચલાવતા મંત્રીઓ અને તેમના સમર્થકો જે વચેટિયાની ભૂમિકા ભજવતા હોય છે તે લોકો પણ સંડોવાયેલા હોય છે. આ સાંકળમાં વિવિધ સરકારી યોજનાઓ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો પણ મુખ્ય ભૂમિકામાં હોય છે. જેની પાસે સત્તા છે તે મંત્રી વિકાસકાર્યો જાહેર કરે પછી સરકારી અધિકારીઓ યોજનાને સાકાર કરવા કોન્ટ્રાકટરને કામ આપે. આ કોન્ટ્રાકટર બીજું કોઈ નહિ પણ સ્થાનિક નેતાનો કોઈ સમર્થક હોય છે. જેને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ તો મળતો હોય છે પણ લગભગ ચાલીસ ટકા કરતાં વધુ પૈસા નેતાગણમાં તથા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને કટકી સ્વરૂપે આપવા પડતા હોય છે. આ કટકી મેળવવાની સૂચિમાં અમુક એવા જાગૃત નાગરિકો પણ હોય છે જે માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવીને સરકારી કાર્યાલયોમાં ફરિયાદ નોંધાવતા હોય છે. ભ્રષ્ટાચારની આ આખી સાંકળમાં પ્રોજેક્ટની કુલ કિંમતના લગભગ ચાલીસેક ટકા કરતાં વધુ પૈસા આવી રીતે ગેરવલ્લે વપરાતા હોય છે.
આ ભ્રષ્ટાચારના મૂળમાં ભલે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ હોય પણ એક વાત જગજાહેર છે કે સારી સારી જગ્યાએ પોસ્ટિંગ મેળવવા આ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને પૈસા આપવા પડતા હોય છે અને આ પૈસા કોણ લેતું હોય છે એ અહી લખવાની જરૂર નથી આપ સહુ સમજદાર છો. અને એટલે જ તો સત્તા મેળવવા માટે ચૂંટણી સમયે લાખો કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવતો હોય છે. અહીં એક વાત શબ્દો ચોર્યા વગર લખીશ કે થઈ રહેલા ભ્રષ્ટાચારની જાણ હોવા છતાં જો કોઈ નેતા તે બાબતે આંખ આડા કાન કરે તો તે નેતા ભલેને પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રૂપે તો આ ભ્રષ્ટાચારમાં સંકળાયેલા જ ગણાય છે. કારણકે તમે ભલે ભ્રષ્ટાચાર કરતા નથી પણ તમારા સાથીદારો તો આ કુકર્મ કરે જ છે અને તેમને અટકાવવા એ તમારું કર્તવ્ય છે. સરકાર Of the People, by the People અને For the People હોય છે જે લોકોની કાળી મહેનતના પૈસા ટેક્સ સ્વરૂપે ઉઘરાવે છે. આ પૂરેપૂરા પૈસા લોકો માટે વપરાય એ જોવાની જવાબદારી સરકારના વડાની છે. ભ્રષ્ટાચારીઓને અટકાવવાની જવાબદારી પણ સરકારના વડાની છે. બાકી ભ્રષ્ટાચારીઓથી કંટાળીને જે લોકોએ તમને સત્તા આપી હતી તે લોકો આજે નહિ તો કાલે તમારા ધૂતરાષ્ટ્ર જેવા વલણથી ચોક્કસ કંટાળી જશે.
રાજી રહેજો
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz