નવી મુંબઈ એપીએમસીની ફળ બજારમાંથી કેમિકલથી પકાવવામાં આવેલી ૧,૭૫૨ કેરી પકડાઈ હતી.
ફૂડ એન્ડ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા જપ્ત કરવામાં આવેલી આ કેરીને પકાવવા માટે તેની ઉપર પ્રવાહી ઇથીલીનનો છંટકાવ કરવામાં આવ્યો હતો, એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. કેરીના સેમ્પલને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
એફડીએની ટીમે તાજેતરમાં ફ્રૂટ માર્કેટમાં ઓચિંતી તપાસ હાથ ધરી એમાં ઓછામાં ઓછા ત્રણ વેપારીઓએ ફૂડ સેફ્ટી એક્ટના નિયમોનો ભંગ કરી કેમિકલથી કેરીઓ પકાવી હોવાનું જાણવા મળ્યું હતું.
કેરીને પકાવવા માટે કેલ્શિયમ કાર્બાઇડ અને એસીટીલીન ગેસના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે, પરંતુ ઇથીલીનના ગેસ સ્વરૃપમાં ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી છે. આમ છતાં કેટલાય વેપારીઓ ઇથીલીનનો પ્રવાહી સ્વરૃપમાં કેરી ઉપર સીધો જ છંટકાવ કરે છે જેની પર પ્રતિબંધ છે. ઇથીલીનના પાવડરને નાના પડીકામાં પેક કરી કેરીનો વચ્ચે મૂકી શકાય છે. લગભગ ૯૦ ટકા વેપારીઓ આ રીતે કેરીને પકવે છે. બાકીના જે વેપારીઓ રસાયણ સીધું જ કેરીઓ પર છાંટે છે. એ જોખમી છે, ફ્રૂટ માર્કેટના સંચાલક સંજય પાનસરેએ જણાવ્યું હતું.
એફડીએના અધિકારીએ જણાવ્યું હતું કે કેરીની સીઝનમાં આ રીતે અવારનવાર ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવે છે. આનું સારું પરિણામ જોવા મળ્યું છે અને કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ બંધ કરવામાં આવ્યા છે.
કેમિકલથી પકાવેલી કેરી કેવી રીતે ઓળખશો?
૦ કુદરતી રીતે પાકેલી કેરી સંપૂર્ણ રીતે પીળા રંગની હોય છે. આ કેરીના સ્વાદમાં કુદરતી મીઠાશ હોય છે.
૦ કેમિકલથી પકાવેલી કેરીમાં પીળા રંગની વચ્ચે ક્યાંક ક્યાંક લીલો રંગ દેખાય છે. એટલે જે ભાગમાં કેમિકલ છાંટવાનું રહી ગયું હોય એ ભાગ લીલો જ રહે છે. આ કેરીનો સ્વાદ પણ જુદો હોય છે અને કુદરતી મીઠાશ નથી હોતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w