ઘાટકોપર-ઈસ્ટના પંતનગર વિસ્તારની નીલયોગ રેસિડન્સી પાસે એસઆરએ સ્કીમ અંતર્ગત ૨૦૧૨માં બાંધવામાં આવેલા ડ્રામા માટેના ૩૩૦ સીટની કેપેસિટી ધરાવતા થિયેટરના દરવાજા આજ સુધી બંધ જ છે. સ્થાનિક રહેવાસીઓ આ થિયેટર જલદીથી શરૂ થાય એનો ઇન્તજાર કરી રહ્યા છે. મહાનગરપાલિકાનાં સૂત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે આ થિયેટરને શરૂ કરવા માટે આવી રહેલા અવરોધો થોડા દિવસ પહેલાં દૂર થઈ જવાથી આ થિયેટર બે-ત્રણ મહિનામાં શરૂ થવાના ઊજળા સંજોગો ઊભા થયા છે.
જોકે આ થિયેટર ખૂલવા માટેનો જે મુખ્ય અવરોધક છે એ તબેલાની ગાયોના માલિકે એની ગાયો હજી સુધી થિયેટરના મેઇન ગેટની બહાર જ ઊભી રાખી છે. આ પહેલાં આ માલિક એની ગાયોને નવા બાંધવામાં આવેલા થિયેટરની અંદર રાખતો હતો. આ પરિસ્થિતિમાં પણ મહાનગરપાલિકાએ આ થિયેટરને એજન્સીને સોંપવા માટેની ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ટૂંક સમયમાં આ એજન્સી નાટ્યગૃહ ચલાવવાની સાથે એની સંપૂર્ણ જાળવણીની જવાબદારી મહાનગરપાલિકાના નિયમોનુસાર એજન્સીએ સંભાળવાની રહેશે. આ પ્રક્રિયા પૂરી થતાં જ દસ વર્ષના લાંબા સમય પછી હવે ઈશાન-મુંબઈમાં મહાનગરપાલિકાના બીજા નાટ્યગૃહનો જનતાને લાભ મળશે.
ઈશાન-મુંબઈમાં મહાનગરપાલિકાનું એકમાત્ર નાટ્યગૃહ મુલુંડ-વેસ્ટમાં છે. મુલુંડનું કાલિદાસ સભાગૃહ કુર્લાથી લઈને વિક્રોલી સુધીના નાટ્યરસિકોને ખૂબ દૂર પડે છે. ઘાટકોપર-વેસ્ટમાં શ્રીમતી ભૂરીબેન લક્ષ્મીચંદ ગોળવાળા ઑડિટોરિયમ અને ઈસ્ટમાં ઝવેરબેન પોપટલાલ સભાગૃહ ઑડિટોરિયમ બન્ને પ્રાઇવેટ માલિકીનાં છે. ઘણાં વર્ષોથી ઘાટકોપરના નાગરિકોની ઘાટકોપરમાં મહાનગરપાલિકાનું ઑડિયોરિયમ હોવું જોઈએ એવી માગણી હતી પરિણામે એસઆરએ પ્રોજેક્ટ અંતર્ગત પંતનગરમાં ૨૦૧૨માં મહાનગરપાલિકાનું એક નાટ્યગૃહ બાંધવામાં આવ્યું હતું. જોકે આ નાટ્યગૃહ જે જમીન પર બાંધવામાં આવ્યું ત્યાં પહેલાં ગાયનો તબેલો હતો. તબેલાના માલિકે થિયેટરના બાંધકામ પછી બે વર્ષ સુધી પૈસાના મુદ્દે વિવાદ ઊભો કર્યો હતો. તબેલાના માલિકનો એવો દાવો હતો કે તેની સાથે નક્કી કર્યા પ્રમાણેની રકમ તેને મહાનગરપાલિકા અને બિલ્ડરે આપી નથી. જેથી જ્યાં સુધી મને મારી રકમ આપવામાં આવશે નહીં ત્યાં સુધી હું થિયેટરને શરૂ કરવા નહીં દઉં એટલે થિયેટર તૈયાર થઈ ગયા પછી પણ તેણે તેની ગાયો થિયેટરની અંદર જ બાંધીને એ ઇમારતને તબેલામાં પરિવર્તિત કરી દીધી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz