મુલુંડમાં બનેલી રોડ રેજની ઘટનામાં જવાબ માગવા કારમાંથી નીચે ઊતરેલા વેપારીને ટ્રક નીચે કચડવામાં આવ્યો હતો. આ પ્રકરણે પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર ટ્રક ડ્રાઈવરને ભિવંડીથી પકડી પાડ્યો હતો.
નવઘર પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ નૂર મોહમ્મદ ઈબ્રાર અલી (33) તરીકે થઈ હતી. ગુજરાતના અંકલેશ્ર્વર ખાતે રહેતા આરોપીના તાબામાંથી પોલીસે ગુજરાતનું પાસિંગ ધરાવતી ટ્રક પણ જપ્ત કરી હતી. આરોપી વિરુદ્ધ હત્યા અને મોટર વેહિકલ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મુલુંડ નજીક આનંદનગર ટોલ નાકા પાસે ગુરુવારની રાતે 10 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા વેપારીની ઓળખ ભાવેશ સોની (30) તરીકે થઈ હતી. ભિવંડીની ગુરુકૃપા બિલ્ડિંગમાં રહેતો ભાવેશ દક્ષિણ મુંબઈમાં વાસણની દુકાન ધરાવતો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર ગુરુવારે રાતે દુકાન બંધ કરી ભાવેશ તેના સગા સાથે કારમાં ભિવંડીના નિવાસસ્થાને જવા નીકળ્યો હતો. કાર ભાવેશ ચલાવી રહ્યો હતો. તેમની કાર આનંદનગર ટોલ નાકા પાસે પહોંચી ત્યારે આરોપીની ટ્રક કાર સાથે ઘસાઈને પસાર થઈ હતી. આ ઘટનામાં ભાવેશની કારને નુકસાન થયું હતું.
ભાવેશે આરોપીની ટ્રક પાછળ કાર દોડાવી હતી. થોડે જ અંતરે ટોલ બૂથ પાસે ટ્રક ઊભી રહેતાં ભાવેશે પણ તેની કાર રોકી હતી. કારમાંથી ઊતરીને તે ટ્રક ડ્રાઈવર અલી પાસે જવાબ માગવા ગયો હતો. જોકે અલીએ ટ્રક ચાલુ કરીને ભાવેશને અડફેટે લીધો હતો. લગભગ 20 ફૂટના અંતર સુધી ભાવેશ ટ્રક સાથે ઘસડાયો હતો. ભાવેશને ટ્રકથી કચડી આરોપી ફરાર થઈ ગયો હતો.
ગંભીર રીતે ઘવાયેલા ભાવેશને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ પ્રકરણે ભાવેશના સગાએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w