કાંદિવલી ખાતે પ્લે-ગ્રુપમાં બાળકો સાથે ક્રૂરતાપૂર્વકના વ્યવહારના મામલામાં સહાયક શિક્ષિકા ભક્તિ શાહની આગોતરા જામીન અરજી મુંબઈ હાઈ કોર્ટે સોમવારે રદ કરી હતી. આ પહેલાં મુખ્ય શિક્ષિકા જીનલ છેડાની આગોતરા જામીન અરજી હાઇ કોર્ટની તીખી ફટકાર પછી છેડાના વકીલે પાછી ખેંચી લીધી હતી. કાંદિવલી પોલીસનો બંને શિક્ષિકાઓની ધરપકડ કરવાનો માર્ગ મોકળો થયો છે.
કોર્ટે અરજદાર, વાલીઓ તરફથી હસ્તક્ષેપ અરજદાર અને સરકારી વકીલની દલીલો સાંભળીને અવલોકન ર્ક્યું હતું કે, બાળકો સાથે મારઝૂડમાં ભક્તિ શાહ પણ સંકળાયેલી હોઈ તેની આગોતરા જામીન અરજી મંજૂર કરી શકાય નહીં. મલાડ- વેસ્ટમાં રહેતી અને કાંદિવલીના પ્લે-ગ્રુપમાં બાળકો સાથે ક્રૂરતાપૂર્વકના વ્યવહારના આ ચર્ચાસ્પદ મામલામાં કાંદિવલી પોલીસે જેમની સામે ફરિયાદ નોંધી છે તે ભક્તિ શાહનાં વકીલ અનિતા આર દ્વિવેદી મારફત મુંબઈ હાઇ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આ કેસની સુનાવણી 24 એપ્રિલે અનુજા પ્રભુ દેસાઇની કોર્ટમાં થઇ હતી. દ્વિવેદીએ કોર્ટને દલીલમાં કહ્યું કે આ કેસમાં જીનલ છેડાએ બાળકો સાથે મારઝૂડ કરી છે, અમારી અસીલ ભક્તિ શાહે કોઈ બાળક સાથે દુવ્યવહાર કર્યો નથી. તેને આ કેસમાં ફસાવવામાં આવી રહી છે.
સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે, આ કેસમાં પોલીસે ઘટના સમયના સીસીટીવી કેમેરાના ફૂટેજ પંચનામું કરીને હસ્તગત કર્યા છે. આ કેસની તપાસમાં ભક્તિ શાહ પણ બાળકો સાથે મારઝૂડ કરતાં સ્પષ્ટ જોઇ શકાય છે. આથી તેની સામે એફઆઇઆરમાં જીનલ છેડા જેવા જ આરોપ છે. આથી આ કેસમાં તેની આગોતરા જામીન અરજીનો અમે વિરોધ કરીએ છીએ.
પીડિત બાળકના વાલીઓના વકીલ મૃણ્મયી ચોકીદારે કહ્યું હતું કે, અમે કોર્ટને પ્રી-ગ્રુપવી શિક્ષિકા ભક્તિ શાહે બાળકો સાથે કરેલી મારઝૂડના ફોટોગ્રાફ્સ બતાવ્યા હતા. ઉપરાંત જીનલ છેડા બાળકો સાથે મારઝૂડ કરતી હતી તે સમયે પણ ભક્તિ શાહ મૂક સાક્ષી બનીને ઊભી હતી. આથી આ કેસમાં તેનું કૃત્ય પણ બરાબરનું જ છે. કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળી અવલોકન ર્ક્યું હતું કે, ભક્તિ શાહ પણ આ કેસમાં નાના બાળકો સાથેના ક્રૂર વ્યવહારમાં મામલામાં સંડોવણી પ્રાથમિક દ્રષ્ટિએ દેખાતી હોઈ અરજી નકારવામાં આવે છે.
પોલીસે શું કહ્યું?
કાંદિવલી પોલીસ સ્ટેશનના આ કેસના તપાસનીસ પોલીસ સબ ઈન્સ્પેકટર દીપક પાટીલે કહ્યું આ કેસમાં સોમવારે ભક્તિ શાહની અરજી રદ થઇ છે. હવે અમે આગળની કાર્યવાહી શરૂ કરીશું. આ પહેલાં જીનલ છેડાની આગોતરા જામીન અરજી પાછી ખેંચી લેવાયા પછી અમે તેના ઘરે અટકાયત કરવા ગયા હતા, પરંતુ તે મળી નહોતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w