ઠાકરે જૂથના ગઢ રહેલા મુંબઈ મહાનગરપાલિકાને તેમના હાથમાંથી છીનવી લઈને આકરો ફટકો મારવાની યોજના એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના દ્વારા ઘડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેએ પાલિકાના કમિશનરને મળીને શહેરના વિકાસના પ્રોજેક્ટની જે રીતે ચર્ચાઓ કરી હતી તેના પરથી તો એવું જ લાગી રહ્યું છે કે થાણેના ગઢની સાથે મુંબઈનો ગઢ પણ કબજે કરવા માટે એકનાથ શિંદેએ કમર કસી છે.
શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદે અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્રએ તાજેતરમાં મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલ સાથે પાલિકાના મુખ્યાલયમાં બેઠક કરી હતી અને મુંબઈના સમૃદ્ધ વારસાને પ્રોત્સાહન આપવા અને પર્યટકોને આકર્ષવા ફોર્ટ વિસ્તાર અને મરીન ડ્રાઈવ વિસ્તારનું અપગ્રેડેશન કરવાને મુદ્દે ચર્ચા કરી હોવાનુું કહેવાય છે. જોકે આ મુલાકાત પાછળનો મૂળ હેતુ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને થાણે બાદ મુંબઈને કબજો કરવા માટેની તૈયારીરૂપે હોવાનું કહેવાય છે. શ્રીકાંત શિંદે સાથે મુંબઈના શિવસેનાના એક સાંસદ અને વિધાનસભ્ય પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ફોર્ટ અને મરીન ડ્રાઈવના સુશોભિકરણ અને તેના હેરિટેજ વારસાને સમૃદ્ધ બનાવવા માટે એક પ્રેઝેન્ટેશન પણ આપવામાં આવ્યું હતું.
આ વિસ્તારમાં જુદી જુદી વયના લોકો માટે ઓપન સ્પેસ નિર્માણ કરાશે. મરીન ડ્રાઈવ પર ચાલવા, સાઈકલ ચલાવવા અને દોડવા માટેની જગ્યા બનાવાશે. ફોર્ટ ઍરિયાના રિમોડલિંગ માટે પાર્કિગ, હૉકિંગ, હિસ્ટોરીક મેપિંગના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં સ્ટ્રીટ મેપિંગ માટેની યોજનાઓ અને પહોળી ફૂટપાથ અને પાર્કિગ સાથેના આયોજન મુદ્દે પણ ચર્ચા થઈ હતી.
બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ફ્લોરા ફાઉન્ટન અને મરીન ડ્રાઈવ પાસેના એક કિલોમીટરના વિસ્તારને પાયલોટ પ્રોજેક્ટ હેઠળ વિકાસ કરાશે, જેમા મુખ્યત્વે હૉકિંગ ઝોન બનાવવા અને એશિયાટિક લાઈબ્રેરી અને ફ્લોરા ફાઉન્ટ વચ્ચે પાઈલોટ પ્રોજેક્ટ હાથ ધરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. મુંબઈના નાગરિકોને મળતી સુવિધાઓ અપગ્રેડેશન કરવા પર ભાર આપવાને મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી. મુખ્યત્વે શૌચાલયની ઉપલબ્ધતા, નાગરિકોને બેસવા માટે બેંચ, લોકોને માહિતી આપતા સાઈન બોર્ડના અભાવને મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
અન્ય યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મુંબઈમાં વાઈબ્રન્ટ નાઈટલાઈફને પ્રોત્સાહન આપવા માટે કેફેને સ્કેવર કોન્સેપ્ટ પર ચલાવવાની મંજૂરી આપવાની શક્યતાનો સમાવેશ થાય છે. સૂચિત ફૂડ ટ્રક ઝોન માટે હોર્નિમન સર્કલ, કાલા ઘોડા અને તાજ એન્ડ ટ્રાઈડેન્ટ હોટલના વિસ્તારોના નિર્ધારિત વિસ્તારો પર ચર્ચા કરવામાં આવી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w