એકનાથ શિંદે સરકારને હવે કોઈ જોખમ ન હોવાનું સુપ્રીમ કોર્ટના ચુકાદાથી જણાઈ આવ્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે ટૂંક સમયમાં પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે અને આ માટેની ફૉર્મ્યુલા પણ તૈયાર છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ૩૦ જૂને એકનાથ શિંદે સરકાર અસ્તિત્વમાં આવી હતી, પરંતુ મામલો સુપ્રીમ કોર્ટમાં અવલંબિત હતો એટલે પ્રધાનમંડળનું વિસ્તરણ ઘોંચમાં પડ્યું હતું. ૪૩ પ્રધાનમાંથી અત્યારે ૨૦ પ્રધાનો દ્વારા જ સરકારનું કામકાજ ચાલી રહ્યું છે. હવે બાકીના ૨૩ પ્રધાનની નિયુક્તિ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના ચુકાદામાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવાથી કોર્ટ તેમને ફરીથી મુખ્ય પ્રધાન ન બનાવી શકે એવી નોંધ કરવામાં આવી છે. આ વિશે ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘કાયદેસર રીતે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવું એ ભૂલ હોઈ શકે, છે, પણ નૈતિકતાથી જોઈએ તો જે પક્ષને અને મારા પિતાએ ઘણું બધું આપ્યું છે એના પર હું વિશ્વાસ અને અવિશ્વાસ કેમ કરું? આવો વિચાર કરું તો મેં ક્યારેય રાજીનામું આપ્યું જ ન હોત અને ફરી મુખ્ય પ્રધાન બની શક્યો હોત. જો કે મારા માટે આ લડાઈ નથી. મારી લડાઈ રાજ્ય અને દેશ માટે છે. કોર્ટના ચુકાદામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલ અને વિધાનસભાના સ્પીકરની ભૂમિકા કાયદાકીય નહોતી આથી એકનાથ શિંદેને સત્તામાં રહેવાનો અધિકાર નથી. તેમણે તરત રાજીનામું આપી દેવું જોઈએ.’
સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે બપોરે રાજ્યના સત્તાસંઘર્ષનો ચુકાદો આવ્યો એની પૂર્વસંધ્યાએ એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ની નોટિસ મળી હતી. બુધવારે જયંત પાટીલની મૅરેજ ઍનિવર્સરી હતી ત્યારે જ તેમને નોટિસ મળી હતી. આ વિશે જયંત પાટીલે કહ્યું હતું કે ‘લગ્નની વરસગાંઠ હતી ત્યારે સાંજના ૬ વાગ્યે મને ઈડીએ નોટિસ મોકલી હતી. નોટિસમાં આઇએલએફએસ નામની કોઈક કંપની અને એ સંબંધી કોઈ મામલામાં મને સોમવારે ઈડીની ઑફિસમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે. આ કંપની સાથે મારી કોઈ લેવાદેવા નથી. એની સાથે કોઈ વ્યવહાર પણ નથી કર્યો. આ કંપની પાસેથી કોઈ લોન પણ નથી લીધી. આમ છતાં મને નોટિસ મોકલવામાં આવી છે.’
સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે ગઈ કાલે કહ્યું હતું કે ‘વિધાનસભ્યોની અપાત્રતાનો નિર્ણય લેતાં પહેલાં કયો પક્ષ કાયદેસર છે અને એના પ્રમુખ કોણ છે એ નક્કી કરવામાં આવશે. બાદમાં જ પ્રતોદની નિયુક્તિ અને વિધાનસભ્યોની અપાત્રતના પ્રશ્નોનો ઉકેલ લવાશે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં અધિકૃત શિવસેના અને તત્કાલીન પક્ષપ્રમુખનો નિર્ણય પહેલાં લેવાનો મત વ્યક્ત કર્યો છે. ચુકાદા સંબંધે લોકોને ગેરસમજ થઈ રહી છે. કોર્ટના આદેશ મુજબ સૌથી પહેલાં કયો પક્ષ કાયદેસર છે અને એના પ્રમુખ કોણ છે એનો ઉકેલ લાવવામાં આવશે. જોકે બધા પક્ષકારોને પૂરતો સમય આપવામાં આવશે એટલે આ બધામાં સમય લાગશે. કોઈને અન્યાય ન થાય એના પર ધ્યાન રાખવામાં આવશે.’
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની આકરી ઝાટકાણી છે. તેમણે ખોટા નિર્ણયો લીધા હોવાનું નોંધ્યું છે. આ વિશે સવાલ કરવામાં આવતાં ભગતસિંહ કોશ્યારીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘આ વિશે કોઈ લૉ એક્સપર્ટ જ યોગ્ય જવાબ આપી શકશે. એ સમયની સ્થિતિમાં વિધાનસભાના કામકાજ બાબતે મને જે સૌથી શ્રેષ્ઠ લાગ્યું એ મુજબ નિર્ણય લીધો હતો. કોઈ મારી પાસે રાજીનામું મોકલી આપે તો હું તેમને આમ ન કરવાનું કહી શકું?’ ભગતસિંહ કોશ્યારીએ ત્રણ મહિના પહેલાં રાજ્યપાલપદેથી રાજીનામું આપ્યું હતું. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભગતસિંહ કોશ્યારીના નિર્ણય બાબતે કહ્યું હતું કે એ સમયે ઊભી થયેલી પરિસ્થિતિમાં તેમણે યોગ્ય નિર્ણય લીધો હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w